મહેસાણામાં જાવેદે ‘રાહુલ’ બની યુવતીને બ્લેકમેલ કરી ગેસ્ટ હાઉસમાં બોલાવી:

By: Nation Gujarat Team
22 Feb, 2026

મહેસાણાના ખેરાલુ તાલુકાના એક ગામની 20 વર્ષીય યુવતી પર મોહમદ જાવેદ નામના યુવકે ‘રાહુલ પટેલ’ નામ ધારણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આરોપીએ યુવતીના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. અહીં રંગેહાથ ઝડપાઈ જતાં ટોળાએ જાવેદને બેફામ માર મારી બેભાન કરી નાખ્યો હતો. વચ્ચે પડેલા તેના પિતાને પણ ટોળાએ ઢીક્કા-પાટુનો માર માર્યો હતો. આ મામલે યુવતીએ દુષ્કર્મની અને યુવકના ભાઈએ મારામારીની ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફોટો પાડ્યાં બાદ યુવકે ઓળખ છતી કરી ખેરાલુમાં રહેતા આરોપી મોહમદ જાવેદ નૂરમહમદ સીધીએ પોતાની અસલ ઓળખ છુપાવી ‘રાહુલ પટેલ’ નામ ધારણ કરી યુવતી સાથે મિત્રતા કેળવી હતી. આ મિત્રતા દરમિયાન આરોપીએ યુવતીના ફોટા પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. ત્યારબાદ આરોપીએ પોતાની અસલ ઓળખ છતી કરી યુવતીને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.

યુવતીને ધમકી આપી ગેસ્ટ હાઉસમાં બોલાવી આરોપીએ આ ફોટાના જોરે યુવતીને 21 ફેબ્રુઆરીના રોજ રાધે ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યાનું યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. આ સમગ્ર મામલે પીડિતાએ હિંમત દાખવી ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) અને 351(2) મુજબ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ટોળાએ યુવકને મારી બેભાન કર્યો, પિતાને પણ ફટકાર્યા બીજી બાજુ આરોપી પક્ષે યુવકના ભાઈ મોહમદયાસીનએ ખેરાલુ પોલીસમાં અજાણ્યા શખસો સામે તેના ભાઈને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેના મિત્રએ ફોન કરીને તેને જાણ કરી હતી કે ખેરાલુ શીતકેન્દ્ર ડેરી પાસે તેના ભાઈ મોહમદ જાવેદને કેટલાક અજાણ્યા માણસો માર મારી રહ્યા છે, જેથી તું જલદી આવ. આ વાત સાંભણીને મોહમદયાસીન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા ત્યાં તેમના પિતા પણ હાજર હતાં. તેમના પિતાએ જણાવ્યું કે, તેઓ દવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતાં, ત્યારે શીતકેન્દ્ર પાસે ઝઘડો થતો જોઈ નજીક ગયા હતા, ત્યાં અજાણ્યા શખ્સો મોહમદ જાવેદને માર મારી રહ્યા હતા. તેઓ વચ્ચે છોડાવવા પડતા હુમલાખોરોએ તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ મોહમદ જાવેદને GJ-02-AU-9655 નંબરની સીએનજી રિક્ષામાં જબરદસ્તી બેસાડી સિદ્ધપુર ચોકડી તરફ ભગાડી ગયા

પિતા-પુત્ર પોલીસ સાથે સ્થળે પહોંચ્યાં, યુવક બેભાન પડ્યો હતો થોડી વાર બાદ પિતાના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે, તેમનો પુત્ર મલેકપુર ગામના રામદેવપીર મંદિર પાછળ છે. આથી ખેરાલુ પોલીસ સાથે પિતા-પુત્ર ઘટનાસ્થળે પહોંચતા મોહમદ જાવેદ લોહીલુહાણ અને બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેના કાનમાંથી લોહી નીકળતું હતું અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને ખેરાલુ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ યુવક બેભાન હોવાથી હુમલાનું કારણ જાણી શકાયું નથી. પોલીસે રિક્ષા નંબરના આધારે અને અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


Related Posts

Load more