ગુજરાતમાં ગુનાખોરી વધતી જઇ રહી છે. ચોરી, લૂંટ, હત્યા અને મારા-મારી જેવી અનેક ઘટનાઓ બનતી હોય છે. જો કે મહેસાણામાં ચોરીની એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. ચોર બીજુ કઇ નહીં પણ એમ્બ્યુલન્સની ચોરી કરી ગયા. જો કે ચોરનો આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો, કેમ કે એમ્બ્યુલન્સ અડધે રસ્તે જઇને જ પલટી ખાઇ ગઇ હતી.
અત્યાર સુધી તસ્કરો મોંઘાદાટ વાહનોની ચોરી કરતા, પણ હવે તો તસ્કરો જાણે કે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ એમ્બ્યુલન્સની ચોરી કરવામાં પણ ખચકાતા નથી. મહેસાણાના કડીમાં આવી જ એક ઘટના બની છે. કડીમાં આવેલા ફાયર સ્ટેશનમાં લાવવામાં આવેલી નવી એમ્બ્યુલન્સની ચોરી થઇ થવાની ઘટના બની હતી.
હજુ તો એમ્બ્યુલન્સનું પાર્સીંગ પણ નહોતું કરાયું અને ચોર એમ્બ્યુલન્સને લઇને ભાગ્યો હતો. જો કે ચોર કડીના વિસલપુર કેનાલ પાસે એમ્બ્યુલન્સ પલટી જતા ચોરીના પ્રયાસમાં નિષ્ફળ ગયો છે. આ ઘટના બાદ એમ્બ્યુલનસની ચોરી કરનાર શખ્સને કડી પોલીસ શોધી રહી છે.