અમદાવાદ,શનિવાર
શહેરના સેટેલાઇટમાં આવેલા ઇસ્કોન એમ્પોરિયોમાં વિઝા-ઇમીગ્રેશનની ઓફિસ શરૂ કરીને વડોદરામાં રહેતા એક પરિવારને કેેનેડાના પી આર વિઝા અપાવવાનું કહી ૨૩ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. આરોપીએ અગાઉ પણ અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
વડોદરા મકરપુરામાં આવેલી ભગત કોલોનીમાં રહેતા કુંજનભાઇ પટેલને તેમના પરિવાર સાથે કેનેડા સ્થાયી થવાનું હોવાથી તેમણે વર્ષ ૨૦૨૧માં સેટેલાઇટ ઇસ્કોન એમ્પોરિયા નામના કોમ્પ્લેક્સમાં સકસેસ ઇમીગ્રેશન નામની ઓફિસ ધરાવતા સંગ્રામસિંગ કુશવાહ (પ્રેરણા બંગ્લોઝ, નવા નરોડા)નો સંપર્ક કર્યો હતો. સંગ્રામસિંહે કુંજનભાઇ તેમના પત્ની અને પુત્રને કેનેડાના પીઆર અપાવવાની ખાતરી આપીને ૩૦ લાખની રકમ કરી નક્કી કરી હતી.
જે પૈકી મેડીકલ અને પોલીસ વેરીફિકેશનની પ્રોસેસ કરીને તેણે કુંજનભાઇ પાસેથી ૨૩.૩૦ લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ કોઇ પ્રોસેસ કરી નહોતી અને અલગ અલગ બહાના બતાવીને વાત ટાળતો હતો. એટલું જ નહી તેણે કુંજનભાઇ સહિત અનેક લોકોના લાખો રૂપિયા લઇને ઓફિસ બંધ કરી દીધી હતી. ત્યારબાદ કંપનીના નામ બદલીને પકવાન ચાર રસ્તા, જજીસ બંગ્લોઝ, નરોડા પણ ઓફિસ ખોલીને છેતરપિડી કરી હતી. આ અંગે સેટેલાઇટ પોલીસે છેતરપિડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.