વિસનગર અને વડનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી અનેક લોકો સાથે ઠગાઈની ફરિયાદો ઉઠી છે. આ વચ્ચે મહેસાણાના વિસનગર નગરપાલિકાના ઉપ પ્રમુખનું નામ ડબ્બા ટ્રેડિંગમાં ખૂલતા હરિયાણાની પોલીસ તેમને ઉઠાવી ગઈ હતી. આ રીતે હોદ્દેદારને પોલીસ પકડી જતા વિસનગરમાં રાજકારણ ગરમાયું હતું.
વિગતો મુજબ, હરિયાણા પોલીસને 2.7 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ મળી હતી. ડબ્બા ટ્રેડિંગનો ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદના આધારે IPCની કલમ 420 તથા 120નો ગુનો નોંધ્યો હતો. જેમાં તપાસના અંતે વિસનગરના કેટલાક શખ્સોના નામ ખૂલ્યા હતા. આથી હરિયાણા પોલીસ તેમને લઈ ગઈ હતી. બાદમાં વધુ તપાસમાં વિસનગર નગરપાલિકાના ઉપ પ્રમુખ વિષ્ણુજી ઠાકોરનું નામ ખૂલતા ફરીથી હરિયાણાના ફરીદાબાદ સાઈબર યુનિટના અધિકારીઓએ વિસનગરમાં ધામા નાખ્યા હતા અને વિસનગર શહેર પોલીસને જાણ કરી હતી.
સમગ્ર ડબ્બા ટ્રેડિંગ પ્રકરણમાં હરિયાણા પોલીસે વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરની અટકાયત કરીને તેમને હરિયાણા લઈ જવામાં આવ્યા હતા. ખાસ છે કે વિસનગર નગર પાલિકામાં ભાજપની સત્તા છે, અને થોડા મહિનાઓ પહેલા જ વિષ્ણુજી ઠાકોરે ઉપપ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો.