મહારાષ્ટ્ર ચૂંટણી: MVAની બેઠકમાં 130 બેઠકો પર સધાઈ સંમતિ, જાણો કયા પક્ષે કેટલી બેઠક પર કર્યો દાવો

By: nationgujarat
20 Sep, 2024

મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને મહાવિકાસ અઘાડી (MVA) વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને બાંદ્રાની સોફિટેલ હોટલમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉદ્ધવ જૂથમાંથી સંજય રાઉત અને અનિલ દેસાઈ, કોંગ્રેસ તરફથી નાના પટોલે, વિજય વડેટ્ટીવાર અને બાળાસાહેબ થોરાટ, જ્યારે શરદ જૂથમાંથી જયંત પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ હાજર રહ્યાં હતા. જેમાં આ બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલી હતી.

મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં બેઠકોને લઈને ચર્ચા

મળતી માહિતી પ્રમાણે, મહાવિકાસ આઘાડીના નેતાઓએ વિદર્ભ પ્રદેશ સિવાય મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી પર ચર્ચાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યો છે. ત્રણ ઘટક પક્ષો મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા બેઠકોમાંથી 120 થી 130 બેઠકો પર સહમત થયા છે. જેમાં 2019 વિધાનસભા ચૂંટણીમાં જે પાર્ટીએ જીતી મેળવી હતી, તે જ બેઠક પર ફરીથી ચૂંટણી લડશે. જો કે, અગાઉ જીતેલી બેઠકોમાંથી લગભગ 10 થી 20 ટકાની અદલાબદલી થશે.

વિવાદીત બેઠકો પર MVAના ત્રણેય પક્ષોની સહમતિથી નિર્ણય કરશે

4 કલાક સુધી ચાલેલી બેઠકમાં મુંબઈ-કોંકણ, મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્રના દરેક મતવિસ્તાર પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિવાદીત બેઠકો પર MVAના ત્રણેય પક્ષોની સહમતિથી એક એજન્સી નિયુક્ત કરવામાં આવશે, જે કઈ પાર્ટીના મજબૂત ઉમેદવાર રાખવા તેને લઈને નિર્ણય કરશે. આગામી બેઠકમાં વિદર્ભની 62 બેઠકોને લઈને ચર્ચા થશે અને વહેલીતકે બેઠકોની વહેંચણીને લઈને નિર્ણય કરવામાં આવશે.

મુંબઈની 36માંથી ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસનો 6 બેઠકો પર દાવો કર્યો 

ગણેશોત્સવ પછી મહાવિકાસ આઘાડી વચ્ચે ફરીથી બેઠકોને લઈને ફરી વાતચીત શરુ થઈ હતી.  જેમાં MVA નેતાઓ બેઠકો વહેંચણીના મુદ્દા પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કારણ કે તાજેતરની લોકસભા ચૂંટણીમાં તેના શાનદાર પ્રદર્શન પછી કોંગ્રેસની નજર મુંબઈમાં વધુ બેઠકો પર છે. મીડિયા અહેવાત મુજબ, મુંબઈની 36 વિધાનસભા બેઠકોમાંથી ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ બંનેએ 6 બેઠકો પર દાવો કર્યો હતો.

અગાઉ 18 સપ્ટેમ્બરે પણ બેઠક મળી હતી

MVAની અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ મળેલી બેઠક સાડા ત્રણ કલાક ચાલી હતી. આ બેઠકમાં ઉદ્ધવ જૂથે મુંબઈમાં 20 બેઠકો, કોંગ્રેસે 18 અને શરદ જૂથે 7 બેઠકોનો દાવો કર્યો હતો. કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથ વચ્ચે 6 બેઠકો પર ટક્કર થવાની ચર્ચા હતી. 18 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં સામે આવ્યું હતું કે, કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથ મુંબઈની 6 બેઠકો પર પોતપોતાના દાવેદારી કરી રહ્યા છે. જેમાં ભાયખલા, કુર્લા, ઘાટકોપર પશ્ચિમ, વર્સોવા, જોગેશ્વરી પૂર્વ અને માહિમની વિધાનસભા બેઠકો છે.


Related Posts

Load more