મધુર ડેરીએ દૂધની ખરીદી બંધ કરતા વિરોધ: ગાંધીનગર કૂચ કરતાં પશુપાલકોની પોલીસે કરી અટકાયત

By: Nation Gujarat Team
13 Mar, 2026
ગાંધીનગર: દહેગામ તાલુકામાં દૂધ ખરીદીના મુદ્દા પર પશુપાલકો અને અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ વચ્ચે વિવાદ શરૂ થયો છે. જે અંગે ગાંધીનગર જિલ્લા સંઘ દ્વારા મધુર ડેરીમાંથી દૂધ ખરીદી પર પ્રતિબંધ મૂકવાથી તાલુકાના પશુપાલકો રોષે ભરાયા છે. જેને લઈને પશુપાલકો ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે આજે આ મામલો ઉગ્ર બનતા પોલીસે ગાંધીનગર કૂચ કરતાં પશુપાલકોની અટકાયત કરી છે.
વિગતે વાત કરીએ તો, ઉત્તમ ડેરીએ મધુર ડેરીને કોર્ટ નોટિસ ફટકારી છે. જે બાદ મધુર ડેરીએ 90 દૂધ કંપનીઓ પાસેથી દૂધની ખરીદી બંધ કરી દીધી છે. આ 90 કંપનીઓ દરરોજ 60,000 લિટર દૂધ સપ્લાય કરતી હતી. જે અટકાઈ જતાં મધુર ડેરીના આ નિર્ણયથી દહેગામમાં આશરે 15,000 દૂધ ઉત્પાદકો મુશ્કેલીમાં મૂકાયા છે. જેના કારણે ગુસ્સે ભરાયેલા પશુપાલકો છેલ્લા ત્રણ દિવસથી વિરોધ કરી રહ્યા છે. ક્યાંક પશુપાલકો દ્વારા રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કરી રહ્યા છે.
વિરોધ દરમિયાન પશુપાલકોએ ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડનું પૂતળું બાળી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સાથે રસ્તા પર દૂધની નદીઓ વહાવી રહ્યા છે. ત્યારે આજે ભારે વિરોધ સાથે આ પશુપાલકોએ ગાંધીનગર તરફ કૂચ શરૂ કરતા પોલીસ દ્વારા આ પશુપાલકોને રોકવા માટે સજ્જડ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ગાંધીનગર કૂચ કરવા આવતા પશુપાલકોને ટ્રેક્ટર સાથે પોલીસ અટકાયત કરવામાં આવી રહી છે. તેમજ જે પશુપાલકો વિરોધ પ્રદર્શન જોડાય તેમની અટકાયત કરવામાં આવી રહી છે.
આ સમયે ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ નહીં થાય, તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરશે. તેમજ આવતી કાલે દહેગામ બંધ માટેની ચીમકી પણ ઉચ્ચારી છે. આમ દહેગામમાં મધુર ડેરી દ્વારા દૂધ ખરીદી બંધ થતાં પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને માંગણીઓ ન માન્ય થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.

Related Posts

Load more