ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે. આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ અનેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો છે. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરતા ત્રણ ગણી બેઠકો બિનહરીફ થઈ છે. ગત ચૂંટણીમાં 229 જેટલી બેઠકો બિનહરીફ થઈ હતી.
આ સિવાય રાજ્યની કુલ 17 મહાનગર પાલિકામાં ભાજપના 20થી વધુ સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે નગર પાલિકાની 178થી વધુ બિનહરીફ બેઠક ભાજપના ખાતામાં આવી છે. જિલ્લા પંચાયતની 12થી વધુ બેઠકો પણ બિનહરીફ જાહેર થઈ છે, જે ભાજપના ફાળે ગઈ છે. તાલુકા પંચાયતની 90થી વધુ બેઠકો પર ભાજપને લાભ થયો છે.
ગુજરાતમાં મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. અનેક જગ્યાએ વિપક્ષી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે, જેનો ફાયદો ભાજપને થયો છે. ગુજરાતમાં 600થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.
હવે 26 એપ્રિલે મતદાન
ગુજરાતમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન થશે. જ્યારે 28 એપ્રિલે પરિણામ જાહેર થશે.