જગદીશ વિશ્વકર્માનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ થયો હતો અને તેઓ બનાસકાંઠા જિલ્લાના વતની છે. હાલમાં તેઓ 52 વર્ષના છે. બેચલર ઓફ આર્ટ્સ (B.A.) સુધી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓ લાંબા સમયથી ભાજપના સંગઠનમાં સક્રિય રહ્યા છે. અગાઉ તેઓ અમદાવાદ શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે અને 2012થી ધારાસભ્ય તરીકે રાજકીય ભૂમિકા ભજવી રહ્યા છે.રાજકીય કારકિર્દી પર નજર રાખીએ તો, 2021માં તેઓ રાજ્ય મંત્રી બન્યા હતા. વન અને પર્યાવરણ બાદ માર્ગ અને મકાન વિભાગ અને હાલમાં ઉદ્યોગ મંત્રાલયની જવાબદારીઓ તેઓ સંભાળી રહ્યા છે. સંગઠન અને સરકાર બંનેમાં અનુભવ ધરાવતા જગદીશ વિશ્વકર્મા પાર્ટીના મહત્ત્વના નેતા તરીકે ઉભરી આવ્યા છે.
વિશ્લેષકોનું કહેવું છે કે, જગદીશ વિશ્વકર્માની પસંદગી હવે આગામી મંત્રીમંડળમાં પણ મહત્વપૂર્ણ બની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિસ્તરણ સમયે પક્ષના નવા અધ્યક્ષની પસંદગીનું ધ્યાન રાખવામાં આવશે. આથી, મંત્રીમંડળમાં નવા વિભાગ અને જવાબદારીઓ ફાળવતી વખતે વિશ્વકર્માની પસંદગી મહત્વપૂર્ણ બની જશે.
આ નવી નિયુક્તિના પગલે ગુજરાત ભાજપમાં તાત્કાલિક હલચલ જોવા મળી છે. સંગઠનમાં તેમના આગમનથી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે અને પાર્ટીની આગામી યોજનાઓ, જનસંપર્ક અભિયાન અને પંચાયત-વિધાનસભા સ્તરે કામગીરીમાં નવી ગતિ આવશે તેવી આશા છે.રાજકીય સૂત્રો અનુસાર, મંત્રીમંડળના વિસ્તરણ સમયે મુખ્યમંત્રીની પસંદગી બાદ વિશ્વકર્માની પસંદગી પણ મહત્વપૂર્ણ રહેશે. જેના કારણે નવા મંત્રીઓની નિમણૂક અને વિભાગોની ફાળવણી પર સીધી અસર પડશે. હાલ મંત્રીઓની સંખ્યા 17 છે અને નિયમ અનુસાર 27 મંત્રીઓ સુધી વિસ્તરણ શક્ય છે. જેથી નવા નેતાઓ અને વિભાગોમાં ફેરફાર માટે યોગ્ય માહોલ આપશે.