કોંગ્રેસ અને આપના ઉમેદવારના ફોર્મ રદ કરવાના સમાચારો વચ્ચે આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર આવ્યા છે. ભાવનગરથી આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં ઉઠાવવામાં આવેલ વાંધા અરજીનો આખરે સુખદ અંત આવ્ય છે.
બોટાદ લોકસભાની બેઠકની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી બાદ ૧૩ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા, કુલ ૧૯ ઉમેદવારો દ્વારા ૩૬ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા, જેમાં ચકાસણી બાદ પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિટમાં વિસંગતતાના કારણે ભાજપ દ્વારા વાંધા અરજી કરાઈ હતી. આ અંગે ચુંટણી અધિકારી દ્વારા જવાબ આપવા આજે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ ડમી સાથે બે ફોર્મ ભર્યા હતા, આમાં કુલ 19 ઉમેદવારોના 30 જેટલા ફોર્મ ભરાયા હતા, જેની ચકાસણી કરવામાં આવતા 13 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. બંને પક્ષોના ડમી ઉમેદવારો તથા 3 અન્ય પક્ષોના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જ્યારે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિડમાં વિસંગતતાને કારણે વાંધા રજૂ કરાયું હતું.
લોકતંત્ર પર મને ભરોસો છે, દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે
ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ માં ઉઠાવવામાં આવેલ વાંધા અરજી મામલે તેઓ આજે સવારે કલેકટર કચેરી ખાતે પોતાનો જવાબ રજૂ કરવા આવી પહોંચ્યા હતા. ઉમેશ મકવાણાની સાથે કોંગ્રેસના પ્રમુખ તેમજ કોંગ્રેસના ટેકેદારો અને આમ આદમી પાર્ટીના ટેકેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અને આપની લિગલ કમિટી સાથે બંનેના ટેકેદારો પણ હાજર રહ્યા હતા. જેના બાદ ચૂંટણી અધિકારી આવી પહોંચતા જવાબ રજૂ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. કલેક્ટર ઓફિસ જતા પહેલા ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે, લોકતંત્ર પર મને ભરોસો છે, દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે