ભારે વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ આજે રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભર્યું. રાજકોટમાં શક્તિપ્રદર્શન સાથે ક્ષત્રિયોને અપીલ કરતા કહ્યું કે, અમને ક્ષત્રિય સમાજના સાથની પણ જરૂર છે. તો બીજી તરફ, સરકાર સાથેની બેઠક બાદ ક્ષત્રિય સમાજ નમતું જોખવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજે હુંકાર કરતા કહ્યું કે, રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો આંદોલન પાર્ટ-2 થશે. 20 તારીખે બેઠકમાં રણનીતિ ઘડાશે. આ વચ્ચે આજે ભાવનગરમાં નિમુબેનની સભામાં હોબાળો થયો હતો. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી રૂપાલાનો વિરોધ કર્યો. રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી
.નિમુબેનની સભામાં રૂપાલાનો વિરોધ
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. નીમુબેન પોતાના ઘરે મંદિરના દર્શન અને પૂજા પાઠ કરી સભા સ્થળે જવા રવાના થયા હતા. નિમુબેનની સાથે ભાજપના શહેર પ્રમુખ સહિતના લોકો જોડાયા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શહેરના એ.વી સ્કૂલના મેદાનમાં સભા યોજાઈ હતી. પરંતુ નિમુબેન સભા સંબોધે તે પહેલા જ તેમાં વિરોધ થયો હતો. નિમુબેનની સભામાં રૂપાલાનો વિરોધ જોવા મળ્યો
ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યા
ભાવનગર નીમુબેનની સભામાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીનો વિરોધ કરવામાં આવ્યા. ક્ષત્રિય યુવાનો કાર્યક્રમમાં કાળા વાવટા સાથે સભામાં પહોંચ્યા હતા. એક બાજુ મનસુખ માંડવિયાની સ્પીચ ચાલુ હતી, ત્યાં બીજી બાજુ ક્ષત્રિય યુવકોએ કાળા વાવટા ફરકાવીને ભારે હોબાળો કર્યો હતો. તળાજા તાલુકાના ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ અનેક ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ ગોહિલે સ્ટેજ પર ચડી જઈ તેમનું રાજીનામુ જિલ્લા પ્રમુખને આપ્યું હતું.
તો બીજી તરફ, ક્ષત્રિય યુવકોના વિરોધને પગલે પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. સભા બાદ કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં નિમુબેન ઉમેદવારી ફોર્મ ભરવા જશે.