ભાવનગરમાં ધોધમાર 3 ઈંચ, માવઠાંથી તારાજી જેવી સ્થિતિ

By: nationgujarat
08 May, 2025

Rain in Bhavnagar : સમગ્ર ગોહિલવાડમાં સતત ત્રીજા દિવસે આકાશમાંથી આફત વરસી હતી. ભાવનગર શહેરમાં બુધવારે રેડ એલર્ટની આગાહી વચ્ચે સવારથી લઈ બપોર સુધીમાં ધોધમાર ત્રણ ઈંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે અડધોથી બે ઈંચ પાણી  પડયું હતું. ત્રણ દિવસથી મેઘરાજાએ જિલ્લાને ધમરોળ્યું હોય, માવઠાંથી તારાજી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દરમિયાનમાં આજે ગુરૂવારે પણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભાવનગર શહેરમાં મધરાત્રિના સમયે મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યા બાદ આજે બુધવારે રેડ એલર્ટની આગાહી વચ્ચે વહેલી સવારે આઠ કલાક બાદ મેઘરાજાએ પુનઃ આગમન કરી ધોધમાર વરસાદ વરસાવવાનું શરૂ કર્યું હતું. માત્ર બે કલાકની અંદર જ સવા બે ઈંચ પાણી ખાબકી ગયા બાદ બપોરે 12:30 કલાક સુધી ધીમીગતિએ વધુ એક ઈંચ જેટલો વરસાદ થતાં શહેરમાં કુલ ત્રણ ઈંચ પાણી વરસ્યું હતું.બપોરે બે કલાક બાદ ઉઘાડ નીકળતા શહેરીજનોને ત્રણ દિવસ બાદ સૂર્યનારાયણના દર્શન થયા હતા.

ગારિયાધારમાં બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે 24 મિ.મી. વરસાદ ખાબક્યો હતો. તો, તાલુકાના પરવડી, નાની-મોટી વાવડી, પચ્છેગામ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના વાવડ છે. જ્યારે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ થતાં લુવારા ગામ પાસે આવેલી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ હતી. સિહોરમાં સવારથી બપોર સુધીમાં મેઘગર્જના સાથે ધીમીધાર અને ઝાપટાં સ્વરૂપે અડધો ઈંચ વરસાદ  બાદ ઉઘાડ નીકળ્યો હતો.

જયારે, મહુવામાં મંગળવારે સાત ઈંચ વરસાદ બાદ આજે સવારે સાંજે ઝાપટાં સ્વરૂપે 14 મિ.મી.વરસાદ વરસ્યો હતો.વીજ તંત્રની ઘોર બેદરકારીના કારણે સાંજે સુધી ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત થયો ન હતો. તો, પાલિતાણામાં સતત ત્રીજા દિવસે ધોધમાર એક ઈંચ વરસાદ બાદ વાદળિયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. વરસાદના આગમનને પગલે થોડીવાર માટે વીજળી ડૂલ થઈ ગઈ હતી. ઉમરાળામાં સવારે ધીમીધારે અડધો ઈંચ વરસાદ વરસ્યા બાદ આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું.

વલ્લભીપુરમાં પવન સાથે 17 મિ.મી. વરસાદી વરસી જતા બજારમાં રસ્તાઓ ઉપરી પાણી નીકળી ગયા હતા. સાથે જ વીજ તંત્રએ સતત ત્રીજા દિવસે શહેરને બાનમાં લીધું હોય તેમ આખો દિવસ વીજળી ડૂલ રહી હતી.જેસરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ થયો હતો. એક જ કલાકમાં અડધો ઈંચ પાણી ખાબકી જતાં ગામમાં પાણી-પાણી થઈ ગયું હતું. ઘોઘામાં પણ સવારથી બપોરના સમયગાળા વચ્ચે ધોધમાર 43 મિ.મી.વરસાદ વરસ્યો હતો.

ઉપરાંત, તળાજામાં અડધો ઈંચ વરસેલા વરસાદે વીજ તંત્રની પોલ ખોલી હતી. પાવઠી રોડથી સરતાનપર બંદર વિસ્તારની સોસાયટીમાં ગતરોજ ખોરવાયેલો વીજ પુરવઠો આજે બપોર બાદ શરૂ થયો હતો. ઉલ્લેખનિય છે કે, રેડ એલર્ટ વચ્ચે આજે સમગ્ર જિલ્લામાં અડધોથી ત્રણ ઈંચ પાણી વરસતા ખેડૂતોને પડયા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. હજુ આવતીકાલ ગુરૂવારે પણ ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેણે જગતના તાતની ચિંતા વધારી છે.

3 દિવસમાં સરેરાશ 62.2 મિ.મી. વરસાદ નોંધાયો

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે વૈશાખ માસના આકરા તાપની જગ્યાએ ડિસેમ્બર-જાન્યુઆરીની થથરાવતી ઠંડીનો અહેસાસ કરાવતું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે સરકારી ચોપડે જિલ્લામાં સરેરાશ 62.2 મિ.મી. વરસાદ નોંધાઈ ચુક્યો છે. તાલુકા પ્રમાણે જોઈએ તો મહુવામાં સૌથી વધુ 1૮4 મિ.મી., ભાવનગરમાં 126 મિ.મી., વલ્લભીપુરમાં 27 મિ.મી., ઉમરાળામાં 2૯ મિ.મી., ઘોઘામાં ૫૫ મિ.મી., સિહોરમાં 67 મિ.મી., ગારિયાધારમાં 43 મિ.મી., પાલિતાણામાં 3૮ મિ.મી., તળાજામાં 20 મિ.મી. અને જેસરમાં 33 મિ.મી. વરસાદ નોંધાયો છે.

ગઢડામાં એક ઈંચ માવઠાંનું પાણી વરસ્યું

બોટાદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક માવઠું વરસ્યું હતું. જેમાં ગઢડામાં ધોધમાર એક ઈંચ જેટલો 22 મિ.મી. વરસાદ થયો હતો. તો બોટાદ અને બરવાળામાં બે-બે મિ.મી. અને રાણપુરમાં એક મિ.મી. વરસાદ થયાનું બોટાદ જિલ્લા ફ્લડ કંટ્રોલ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. તો બીજી તરફ ઢસામાં સુસવાટા મારતા જોરદાર પવન સાથે ત્રણથી સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયાના વાવડ મળ્યા છે. ઢસામાં કરા પણ પડયા હતા.

વીજ પુરવઠા અંગે રજૂઆત કરતાં કર્મીઓએ ગેરવર્તન કર્યાનો ઓડિયો વાયરલ 

તળાજાના મજૂર સોસાયટી સહિતના વિસ્તારમાં જર્જરીત વીજ વાયરાના કારણે વારંવાર વીજ પ્રવાહ બંધ થઈ જાય છે. શાકમાર્કેટ, તિલકચોર, વાવચોક અને અન્ય વિસ્તારમાં બપોરે લાઈટ ડૂલ થતાં વેપારીઓ પરેશાન થયા હતા. જ્યારે તાલુકાના દેવલી, ગોરખી, વેળાવદર ગામમાં ત્રણ દિવસથી જ્યોતિગ્રામની લાઈનમાં વીજ પ્રવાહ પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી સબંધિત કર્મચારીને રજૂઆત કરતા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યાનું અને નાયબ ઈજનેર સાથે જીભાજોડી થયાનો રોયલ ગામના આગેવાન દ્વારા ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે.


Related Posts

Load more