ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’

By: Nation Gujarat Team
11 Feb, 2026

Russia On India-US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર વાગી ગઈ છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી ફેક્ટશીટ પણ જાહેર કરી દીધી છે. જોકે, આ ડીલ વચ્ચે અમેરિકા સતત ભારતને રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવા દબાણ કરી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે રશિયાના ઉપ-વિદેશ મંત્રી સર્ગેઈ રિયાબકોવે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, આ ડીલથી ભારત-રશિયાના સંબંધો પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.

અમેરિકા બધું પોતાના માટે જ ઈચ્છે છે : રશિયાનો કટાક્ષ

બ્રિક્સ શેરપાની બેઠક માટે દિલ્હી પહોંચેલા રિયાબકોવે અમેરિકાની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘ભારતમાં તમામ દેશો માટે પૂરતી જગ્યા અને ક્ષમતા છે, પરંતુ અમેરિકન નીતિની સમસ્યા એ છે કે તે બધું જ પોતાના માટે ઈચ્છે છે, જે એકતરફી વલણનું સૌથી ખરાબ ઉદાહરણ છે. ભાગીદારી અને પરસ્પરના લાભ જ સમૃદ્ધિનો માર્ગ છે. અમેરિકાના ટેરિફનો  ઉદ્દેશ્ય માત્ર પોતાની શક્તિ દેખાડવાનો અને વર્ચસ્વ જમાવવાનો છે, જે યોગ્ય નથી.’

ભારત-રશિયા વચ્ચે વેપાર વધવાની શક્યતા

રશિયન મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે, ‘ભારત-અમેરિકા વચ્ચે ડીલ છતાં ભારત-રશિયાના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય. અત્યારે પણ ભારત-રશિયા વચ્ચે મોટા પાયે વેપાર થઈ રહ્યો છે, પરંતુ તેની ક્ષમતા ઘણી વધુ છે. મને વિશ્વાસ છે કે, ભારતમાં તમામ માટે જગ્યા હોવી જોઈએ.’

બ્રિક્સ અંગે ટ્રમ્પના નિવેદનનો વળતો જવાબ

ટ્રમ્પે અગાઉ બ્રિક્સ ગ્રૂપને પશ્ચિમ વિરોધી ગણાવ્યું હતું. તેનો વળતો જવાબ આપતા રિયાબકોવે કહ્યું કે, ‘બ્રિક્સ ક્યારેય પશ્ચિમ વિરોધી સંગઠન રહ્યું નથી અને ભવિષ્યમાં પણ એવો કોઈ ઈરાદો નથી. કોઈએ પણ આ ગઠબંધનને તોડવાની કોશિશ ન કરવી જોઈએ. અમારો હેતુ માત્ર આયાત-નિકાસ અને રોકાણના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાનો છે.’


Related Posts

Load more