ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ રવિવારે 2026-27ના ઇન્ટરનેશનલ સમર માટે શેડ્યૂલની જાહેરાત કરી છે. આ આઠ મહિના દરમિયાન 14 વેન્યુ પર કુલ 27 મેચો રમાશે. જેની શરૂઆત ઓગસ્ટમાં બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચોથી થશે અને સમાપન આવતા વર્ષે માર્ચમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક 150મી એનિવર્સરી ટેસ્ટ મેચ સાથે થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્યારે રમાશે ટેસ્ટ સિરીઝ?
‘બોર્ડર-ગાવસ્કર ટ્રોફી’ હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હાઈ-પ્રોફાઇલ ટેસ્ટ સિરીઝ ઘણા ઓસ્ટ્રેલિયન દિગ્ગજો માટે છેલ્લી મોટો પડકાર માનવામાં આવી રહી છે. જાન્યુઆરી 2027ના મધ્યમાં અથવા અંતમાં શરૂ થવાની ધારણા છે. જો કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી સત્તાવાર કાર્યક્રમની પુષ્ટિ કરી નથી.
14 અઠવાડિયામાં 10 ટેસ્ટ મેચ
ઓસ્ટ્રેલિયાના મોટા ખેલાડીઓ જેવા કે પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને નાથન લિયોન અત્યાર સુધી ભારતમાં કોઈ ટેસ્ટ સિરીઝ જીતી શક્યા નથી, તેથી આ પ્રવાસ તેમના માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર પુરુષો અને મહિલા બન્ને ટીમો માટે સાત મહિનાનું હોવા છતાં, ઓસ્ટ્રેલિયન પુરુષ ટીમ માટે આ શેડ્યૂલ અત્યંત પડકારજનક સાબિત થઈ રહ્યું છે. પુરુષોની ટીમે ડિસેમ્બરની શરૂઆતથી માર્ચના મધ્ય સુધી માત્ર 14 અઠવાડિયામાં 10 ટેસ્ટ મેચ રમવાની હોય છે, જે અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ શેડ્યૂલ માનવામાં આવે છે.
બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સામે પણ ટેસ્ટ સિરીઝ રમશે ઓસ્ટ્રેલિયા
ઓગસ્ટ 2026માં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે બે ટેસ્ટ મેચોની સિરીઝ બાદ ઓસ્ટ્રેલિયન પુરૂષ ટીમ ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકામાં ત્રણ મેચોની હાઈ-પ્રોફાઇલ ટેસ્ટ સિરીઝ રમશે. આ શેડ્યૂલની એક મોટી વિશેષતા ન્યુઝીલેન્ડ સામે પ્રથમ વખત રમાનારી ચાર ટેસ્ટ મેચોની સિરીઝ છે. વર્ષ 1999 પછી પ્રથમ વખત ન્યુઝીલેન્ડ ત્રણથી વધુ ટેસ્ટ મેચોની સિરીઝ રમશે.
ગાબામાં નહીં રમાઈ કોઈ મેચ
પ્રથમ મેચ 9-13 ડિસેમ્બર વચ્ચે પર્થમાં, જ્યારે આગામી મેચ એડિલેડમાં 17-21 ડિસેમ્બર દરમિયાન યોજાશે. મેલબોર્ન 26-30 ડિસેમ્બર વચ્ચે અને સિડની 4-8 જાન્યુઆરી વચ્ચે ટેસ્ટ મેચની યજમાની કરશે. નોંધનીય છે કે, આ મેદાનના ભવિષ્ય અંગેની અનિશ્ચિતતાને કારણે ટેસ્ટ શેડ્યૂલમાંથી ગાબાને હટાવી દેવામાં આવ્યું છે. તેના બદલે ક્વીન્સલેન્ડ 22 થી 26 ઓગસ્ટ સુધી મેકેના ગ્રેટ બેરિયર રીફ એરેનામાં બાંગ્લાદેશ સામેની એક ટેસ્ટ મેચની યજમાની કરશે. આ પહેલા 13 થી 17 ઓગસ્ટ સુધી ડાર્વિનમાં સિરીઝની પ્રથમ મેચ રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચ
ત્યારબાદ ઓસ્ટ્રેલિયન પુરૂષ ટીમ ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પાંચ મેચ રમશે. જાન્યુઆરીથી માર્ચ 2027 સુધી ચાલનારી આ સિરીઝ, વર્તમાન WTC (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) સાયકલમાં તેમનું છેલ્લું અસાઇનમેન્ટ હશે, જેમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમ માટે ઘણું બધું દાવ પર લાગેલું હશે.
વ્હાઇટ બોલ ફોર્મેટમાં, ઓસ્ટ્રેલિયન પુરૂષ ટીમ 13 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે ઇંગ્લેન્ડની યજમાની કરશે, જેમાં ત્રણ વનડે અને ત્યારબાદ પાંચ ટી20 મેચ રમાશે. લિમિટેડ ઓવર્સનો આ તબક્કો પર્થમાં શરૂ થશે અને કેનબેરામાં સમાપ્ત થશે, જેમાં મેલબોર્ન, સિડની અને બ્રિસ્બેન સહિત દેશના વિવિધ સ્થળોએ મેચો રમાશે.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ
ઓસ્ટ્રેલિયન પુરૂષ ટીમ તેમના કેલેન્ડરનું સમાપન 11 થી 15 માર્ચ દરમિયાન ઇંગ્લેન્ડ સામે એક શાનદાર ડે-નાઇટ ટેસ્ટ મેચ સાથે કરશે. આ મેચ દુનયાના સૌપ્રથમ ટેસ્ટ મેચની 150મી એનિવર્સરીના અવસર પર રમાશે. આ ઐતિહાસિક અને એકમાત્ર ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાશે.