ભારતે વેસ્ટઈન્ડિઝને એક ઇનિંગ અને 141 રનથી હરાવ્યું

By: nationgujarat
15 Jul, 2023

ભારત અને વેસ્ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ત્રીજા જ દિવસે પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝને એક ઇનિંગ અને 141 રનથી હરાવીને 2023-25 WTC સાયકલનો શાનદાર જીતથી પ્રારંભ કર્યો છે. આ ટેસ્ટ મેચમાં અશ્વિને કુલ 12 વિકેટ ઝડપી છે. તેણે પહેલી ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. તેણે વિદેશમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.

અગાઉ ભારતે પહેલી ઇનિંગ 421 રન અને 5 વિકેટના નુક્સાને ડિક્લેર કરી હતી. ત્યારે ભારતે 271 રનની લીડ મેળવી હતી. જેના જવાબમાં કેરેબિયન્સ બીજી ઇનિંગમાં 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ રવિચંદ્રન અશ્વિને 7 વિકેટ ઝડપી હતી. જ્યારે રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી હતી. વેસ્ટઈન્ડિઝ તરફથી એલિક એથેનાઝે 28 રન અને જેસન હોલ્ડરે 20* રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાની પહેલી ઇનિંગ…
યશસ્વી જયવાલ અને રોહિત શર્માએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 76 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 76 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ ટેસ્ટ કારકિર્દીની 29મી અડધી સદી ફટકારી છે.

યશસ્વી જયસ્વાલ 171 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા 103 અને શુભમન ગિલ 6 રન બનાવીને આઉટ થયા હતા અને રહાણેએ 3 રન બનાવ્યા હતા. ઈશાન કિશન (1) અને રવીન્દ્ર જાડેજા (37) અણનમ પરત ફર્યા હતા. વેસ્ટઈન્ડિઝ તરફથી ડેબ્યુટન્ટ્સ એલિક એથેનાઝ, જોમેલ વોરિકન, અલ્ઝારી જોસેફ અને કેમર રોચે એક-એક વિકેટ મેળવી હતી.

જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય
યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય બન્યો. તે 171 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા શિખર ધવન (187 રન) અને રોહિત શર્મા (177 રન) એ ડેબ્યુ મેચમાં જયસ્વાલ કરતા વધુ રન બનાવ્યા હતા. જયસ્વાલે શ્રેયસ અયયર (170 રન)ના સ્કોર પાછળ છોડી દીધો.

બીજા દિવસની રમત…

રોહિત-જયસ્વાલ વચ્ચે 229 રનની ઓપનિંગ ભાગીદારી
ભારતીય ટીમે મેચના બીજા દિવસે ગુરુવારે પોતાની પ્રથમ ઇનિંગ 80 રન સુધી લંબાવી હતી. 30 રનના અંગત સ્કોર પર રમવા ઉતરેલા રોહિત શર્માએ પોતાની ઇનિંગ્સમાં 73 રન ઉમેર્યા અને પોતાની ટેસ્ટ કારકિર્દીની 10મી સદી ફટકારી. ટેસ્ટમાં ઓપનિંગ કરતી વખતે આ તેની 7મી સદી છે. ત્રણેય ફોર્મેટ સહિત તેણે તેની 44મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.

ડેબ્યૂ મેચ રમી રહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 229 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. રોહિત-જયસ્વાલે વેસ્ટઈન્ડીઝ સામે ભારત માટે સૌથી વધુ ઓપનિંગ ભાગીદારીનો નવો રેકોર્ડ બનાવ્યો. આ પહેલાં આ રેકોર્ડ સંજય બાંગર અને વીરેન્દ્ર સેહવાગના નામે હતો.

વિન્ડીઝ 150 રને આઉટ, અશ્વિને 5 વિકેટ
પ્રથમ દિવસની રમત સંપૂર્ણ રીતે ટીમ ઈન્ડિયાના નામે રહી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી વિન્ડીઝની ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ લીધી હતી. તે 700 કે તેથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બન્યો.

ડોમિનિકાના વિંડસર પાર્ક મેદાનમાં વેસ્ટઈન્ડીઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યજમાન ટીમ તરફથી ડેબ્યૂ કરી રહેલા એલિક અથાનાઝે સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે, તે અડધી સદી ફટકારી શક્યો નહોતો, તે 47 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન ક્રેગ બ્રેથવેટે 20 રન અને તેજનારીન ચંદ્રપોલે 12 રન બનાવ્યા હતા.


Related Posts

Load more