ભારતમાં લોન્ચ થઈ વજન ઘટાડવાની દવા Ozempic, ડાયાબિટીસને પણ કરશે કંટ્રોલ; જાણો કિંમત

By: nationgujarat
12 Dec, 2025

Weight Loss Medicine Ozempic: ડેનમાર્કની ફાર્માસ્યુટિકલ કંપની Novo Nordiskએ તેમની બહુપ્રતિક્ષિત ડાયાબિટીસ દવા Ozempic ભારતમાં લોન્ચ કરી છે. કંપનીએ 0.25 મિલિગ્રામના પ્રારંભિક સાપ્તાહિક ડોઝની કિંમત 2,200 રૂપિયા નક્કી કરી છે. એક રિપોર્ટ અનુસાર, ભારતીય બજારમાં આ દવા 0.25 મિલિગ્રામ, 0.5 મિલિગ્રામ અને 1 મિલિગ્રામના ડોઝમાં ઉપલબ્ધ થશે. Ozempic ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે એક સાપ્તાહિક ઇન્જેક્શન છે, જે 2017થી અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં ઉપલબ્ધ છે.

કંપની દ્વારા જાહેર કરાયેલા દરો અનુસાર, 1 મિલિગ્રામ ડોઝની કિંમત દર મહિને 11,175 રૂપિયા છે. જ્યારે 0.5 મિલિગ્રામ ડોઝની કિંમત દર મહિને 10,170 રૂપિયા રાખવામાં આવી છે. 0.25 મિલિગ્રામ ડોઝ માટે દર મહિને 8,800 રૂપિયાનો ખર્ચ કરવા પડશે. સાપ્તાહિક આધારે 0.25 મિલિગ્રામની શરૂઆતની કિંમત દર સપ્તાહ 2,200 રૂપિયા રહેશે.

ભારતની દવા નિયમનકારી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (CDSCO)એ ઓક્ટોબર 2024માં ઓઝેમ્પિક (સેમાગ્લુટાઇડ)ને ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા પુખ્ત વયના લોકોમાં ઉપયોગ માટે મંજૂરી આપી હતી. અમેરિકી FDA અનુસાર, આ દવા આહાર અને કસરત સાથે મળીને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ ધરાવતા ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં મોટી હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે Ozempic?
Ozempic શરીરમાં રહેલા કુદરતી હોર્મોન્સ GLP-1ની જેમ કામ કરે છે. જ્યારે બ્લડ સુગરમાં વધારો થાય છે ત્યારે તે ઇન્સ્યુલિનના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. સાથે જ પેટ ખાલી થવાની પ્રક્રિયાને પણ ધીમી કરે છે, જેના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વધુ માત્રામાં તે ભૂખ ઓછી કરે છે, તેથી ઘણા દેશોમાં તેને ઓફ-લેબલ વેટ લોસ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.

તેની કેટલીક સામાન્ય સાઈડ ઈફેક્ટ્સની પણ વાત કરવામાં આવી છે. તેનાથી સ્વાદુપિંડ (Pancreas)માં સોજાનું જોખમ ઊભું થાય છે. પિત્તાશય (Gallbladder)ની સમસ્યાઓ થઈ શકે છે. તેના ઉપયોગ દરમિયાન ઉબકા, ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.


Related Posts

Load more