ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ

By: Nation Gujarat Team
28 Mar, 2026

Political Funding: દેશના રાજકીય પક્ષોને મળેલા દાન અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે. જેમાં ગુજરાતમાં ભાજપ પર રીતસર ધનવર્ષા થઈ હોય તેમ એક વર્ષમાં 308 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. તેની સરખામણીએ મુખ્ય હરિફ રાજકીય પક્ષ કોંગ્રેસને માત્ર 69 લાખ રૂપિયા જેવી મામૂલી રકમ દાનમાં મળી છે.નોંધનીય છે કે, આખા દેશમાં વર્ષ 2024-25માં રાજકીય પક્ષોને મળેલા દાનની કુલ રકમનો આંકડો 6648 કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.

કોંગ્રેસને 69 લાખ અને AAPને 10 લાખ રૂપિયા દાન મળ્યું 

એડીઆર એટલે કે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલનુસાર, ગુજરાતમાં મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક વર્ષમાં કુલ 1562 દાતાઓ તરફથી 309.17 કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે. જેમાં ભાજપને 308.38 કરોડ રૂપિયા, કોંગ્રેસને 69 લાખ રૂપિયા અને આમ આદમી પાર્ટીને માત્ર 10 લાખ રૂપિયા દાન મળ્યું હોવાનો ઉલ્લેખ છે. દાન આપનારા લોકોમાં કોન્ટ્રાક્ટરો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, બિલ્ડરો, ખાણના લીઝ હોલ્ડરો, સિમેન્ટ કંપનીઓ મુખ્ય છે. કોર્પોરેટ ક્ષેત્રમાંથી કુલ 250.44 કરોડ રૂપિયાનું દાન અપાયું છે. જે કુલ દાનના 81 ટકા છે. જ્યારે વ્યક્તિગત ધોરણે પણ લોકોએ 57 કરોડ રૂપિયાની રકમ રાજકીય પક્ષોને દાનમાં આપી છે.ઉલ્લેખનિય છે કે, જાહેર થયેલા આ આંકડા તો રેકોર્ડ પરના વ્યવહારોના છે. રોકડમાં કરાતા વ્યવહારો આ આંકડામાં સામેલ નથી. આ ઉપરાંત પાર્ટી ફંડની બાબતથી બધા લોકો પરિચિત જ હશે. પાર્ટી ફંડના નામે નાના વેપારીઓથી માંડીને મોટા ઉદ્યોગકારો પાસેથી મોટી રકમના ઉઘરાણા કરવામાં આવતા હોય છે. ત્યારે સ્થાનિક કક્ષાએ કરાતા આવા ઉઘરાણા ખરેખર પક્ષના ખાતામાં પહોંચે છે કે નહીં! તે ચર્ચાનો વિષયછે.

દાનમાં પણ ઈન્સ્ટોલમેન્ટ!

રાજકીય પક્ષો દાનની રકમ સ્વીકારવામાં દાતાઓને ઈએમઆઈની માફક ઈન્સ્ટોલમેન્ટ પણ કરી આપે છે! ટોચના દસ દાતાઓ સહિત ઘણા દાતાઓએ ટુકડે ટુકડે રકમ જમા કરાવી છે. જેથી એક સાથે મોટી રકમ દેખાય નહીં.


Related Posts

Load more