અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રાત્રિના સમયે ભાજપના યુવા નેતાઓ નશાની હાલતમાં બિભત્સ વર્તન કરતા લોકોએ એકઠા થઈ મેથીપાક ચખાડ્યો હતો. ભારે હંગામો મચતા પોલીસ પણ આવી પહોંચી હતી. વિકી ત્રિવેદી નામના નેતાએ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પીધેલી હાલતમાં બીભત્સ વર્તન કરતા લોકોએ કાંઠલો પકડી મેથીપાક ચખાડ્યો શહેરના બાપુનગરના બોમ્બે હાઉસિંગમાં રહેતો વિકી ત્રિવેદી ભાજપમાં પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્ય, ગીર સોમનાથ જિલ્લાના યુવા મોરચાનો સહ પ્રભારી અને શહેરમાં ટ્રાફિક કમિટીમાં પ્રમુખનો હોદ્દો ધરાવે છે.5 માર્ચના રોજ વિકી ત્રિવેદી ગાડી લઈને સરસપુર આવ્યો હતો જેમાં આગળ શહેર ટ્રાફિક કમિટીના પ્રમુખનું બોર્ડ પણ લાગ્યું હતું. સરસપુરના ખાવાડમાં વિકી દારૂ પીધેલી હાલતમાં બીભત્સ વર્તન કરી રહ્યો હતો.
સ્થાનિકોએ રકઝક કરી છતાં વિકી બીભત્સ વર્તન કરી રહ્યો હતો. જેથી સ્થાનિકોએ વિકીને મેથીપાક ચખાડ્યો હતો એટલું જ નહીં પોલીસને પણ જાણ કરી હતી.શહેર કોટડા પોલીસ સ્થળ પર પહોચી હતી.પોલીસે સ્થળ પરથી વિકિની અટકાયત કરી હતી.વીકીને શહેર કોટડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
પોલીસ સ્ટેશનમાં પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો પોલીસ સ્ટેશન પહોંચીને પણ વિકી પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે બીભત્સ વર્તન કરી રહ્યો હતો.વિકીના મોઢામાંથી દારૂની ગંધ આવતી હતી.વિકી ભાનમાં પણ નહતો અને લથડિયા ખાતો હતો.પોલીસે વિકી સામે ગુનો નોધી ધરપકડ કરી હતી.