Bharuch News: નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડ કાંડ મામલે આજે મોટો વળાંક આવ્યો છે નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડ કાંડ મામલે આજે મોટો વળાંક આવ્યો છે. નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લઈને સાંસદ મનસુખ વસાવાની વાત સ્વીકારી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે આજે સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે સ્વીકાર્યું હતું કે 75 લાખ રૂપિયાની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી. આ માહિતી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર મોદી દ્વારા કલેક્ટરને જણાવવામાં આવી હોવાનું પણ કલેક્ટરે માન્ય કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સાંસદના આક્ષેપ બાદ ચૈતર વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા, તે સમયે કલેક્ટરે 75 લાખ રૂપિયાની વાતને ખોટી ગણાવી હતી. પરંતુ આજે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે આ વાત રાજપીપળા નહીં પરંતુ કેવડિયા હેલિપેડ ખાતે થઈ હતી. આ સમગ્ર પ્રકરણ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ અગાઉ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ભાજપ છોડશે.
આજે બેઠક બાદ સાંસદે કહ્યું કે, “મારી સાથે ભાજપ પાર્ટી ઊભી છે. મને પાર્ટી પર વિશ્વાસ છે અને આજે જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ મારી સાથે આવ્યા છે. મેં કહ્યું હતું કે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ, પરંતુ આજે જિલ્લા કલેક્ટરે પણ મારી વાતને સાચી માની છે. એટલે હવે હું પાર્ટી સાથે જ છું.”