બોરસદની યુવતીની કેનેડામાં થઈ નિર્મમ હત્યા, અમેરિકન બોર્ડર નજીક ખેલાયો ખૂની ખેલ

By: Nation Gujarat Team
28 May, 2026
આણંદ: વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. મૂળ આણંદના બોરસદની 22 વર્ષીય યુવતી વિધી કલ્પેશભાઈ મેઘાની ચાકૂના ઘા ઝીંકીને હત્યા થઈ છે. વિધી છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા વિસ્તારમાં રહેતી હતી. આ યુવતી અભ્યાસ સાથે નોકરી પણ કરતી હતી. આ સાથે પી.આર. માટે તૈયારી પણ કરી રહી હતી. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, કયા કારણોસર વિધીની હત્યા કરવામાં આવી તે હજી સામે આવ્યું નથી. આ સમાચાર મળતાની સાથે યુવતીના પરિવાર અને વતનમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પી.આર. માટેની કરી રહી હતી તૈયારી

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, કેનેડાના નાયગ્રા વિસ્તારમાં રહેતી ગુજરાતી 22 વર્ષીય યુવતીની નિર્મમ હત્યા થઈ છે. વિધી કલ્પેશભાઈ મેઘાની ચાકૂના ઘા ઝીંકીને અમેરિકન બોર્ડર પાસે જ હત્યા કરવામાં આવી છે.

યુવતી અભ્યાસ સાથે નોકરી પણ કરતી હતી. આ સાથે તે પી.આર. માટેની તૈયારી પણ કરી રહી હતી. 15 મેના રોજ ઘરેથી બહાર ગયા બાદ આ ગોઝારી ઘટના બની છે. હાલ તો સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમેરિકામાં થઈ હતી ગુજરાતી મહિલાની હત્યા

મે 2026ના મહિનામાં અમેરિકામાં પણ ગુજરાતી મહિલાની હત્યા થઈ હતી. 23 મે, 2026ના રોજ અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરમાં નોકરી કરતા મૂળ મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામના વતની મેઘનાબેન પટેલની બુકાનીધારી અજાણ્યા યુવકે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા મેઘનાબેન ઉપેન્દ્રભાઈ પટેલ 23 મેના શનિવારે સવારે રોજિંદા ક્રમ મુજબ પોતાના સ્ટોર પર હાજર હતા. આ દરમિયાન એક અજાણ્યો યુવક મોઢે બુકાની બાંધી સ્ટોરમાં ધસી આવ્યો હતો. સ્ટોર પર હાજર મેઘનાબેન પટેલે સુરક્ષાના કારણોસર આ યુવકને પોતાના મોઢા પરથી બુકાની હટાવવા માટે જણાવ્યું હતું. જે બાદ યુવાને ધડાધડ ફાયરિંગ કર્યું હતુ. આ હત્યામાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આરોપીએ પહેલાં પોતાના સાવકા પિતાની ગોળી મારી નિર્મમ હત્યા કર્યા બાદ મેઘનાબેન પટેલને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ સાયકો કિલરે પોતાના લમણે બંદૂક મૂકીને ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો.

Related Posts

Load more