બોમ્બની ધમકીથી રાજધાની ગાંધીનગરમાં પણ હડકંપ, સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ ખાલી કરાવી પડી

By: Nation Gujarat Team
27 Feb, 2026
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં બોમ્બ ધમકી સંબંધિત એક મેઇલને લઈને ગેરસમજ સર્જાતા રાજધાની ગાંધીનગર સહિત અનેક સ્થળોએ ચકચાર મચી ગઈ હતી. 112 ઈમરજન્સી નંબર પર ગાંધીનગર કંટ્રોલ રૂમને મળેલી જાણ મુજબ એક ધમકીભર્યો મેઇલ સર્ક્યુલેટ થયો હતો. જેના આધારે પોલીસ અને સુરક્ષા તંત્ર સતર્ક બન્યું હતું અને ગુજરાતમાં જુનાગઢ, નવસારી, સુરત, વલસાડ, મહેસાણા, સુરેન્દ્રનગર સહિત પાટનગર ગાંધીનગરમાં પણ ભારે હંગામા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ હોસ્ટેલ ખાલી કરવાની ફરજ પડી હતી.
મળતી માહિતી મુજબ, આજે(27મી ફેબ્રુઆરીએ) સવારના સમયે સુરત આરટીઓ કચેરી તેમજ સુરત રિજનલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. સુરતની રિજનલ પાસપોર્ટ ઓફિસને મળેલ આ મેઇલને સુરત સ્પેશિયલ બ્રાન્ચ અને પોલીસ કમિશનર કચેરીને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નવસારી ઓફિસ મારફતે આ મેઇલ અમદાવાદ મુખ્ય કચેરી સુધી મોકલાયો હતો.
આ દરમ્યાન આખા ગુજરાતની પોસ્ટ ઓફિસોને પણ આ મેઇલ ફોરવર્ડ થતાં ગેરસમજ ઉભી થઈ હતી. જેથી સુરક્ષા એજન્સીએ ગુજરાત ભરમાં આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રો પર એલર્ટ જાહેર કરી સુરક્ષાના ભાગરૂપે મહેસાણા, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી સહિતના મોટાભાગના શહેરમાં સઘન તપાસ શરૂ કરી હતી. ત્યારે આ મેસેજ ગાંધીનગર પહોંચતા જ ગાંધીનગરમાં પણ ભારે દોડધામ મચી હતી.
ગાંધીનગર બ્રાન્ચ સુધી “ગાંધીનગર પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી” તરીકે સંદેશ સર્ક્યુલેટ થયો હતો. પરિણામે શહેરમાં થોડીવાર માટે પેનિક જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલ બોયઝ હોસ્ટેલને પણ બોમ્બ થ્રેટ મળ્યાની જાણ થતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ધમકી મળતા જ હોસ્ટેલ ખાલી કરાવી તમામ વિદ્યાર્થીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા અને પોલીસ તથા બોમ્બ સ્ક્વોડની ટીમોએ સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, છતાં સુરક્ષાના હેતુસર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

બાદમાં આ મામલે પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું કે, આ મેઈલ આઉટલુકમાંથી આવ્યો હતો, જેમાં માત્ર સુરત આરટીઓ ઓફિસ અને સુરત રિજનલ પાસપોર્ટ ઓફિસને જ ધમકી આપવામાં આવી હતી. ગાંધીનગર અથવા અન્ય કોઈ સ્થળનો સીધો ઉલ્લેખ નહોતો. જેથી એક ગેરસમજ અને ફોરવર્ડ મેસેજના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી.
આ મામલે DySP દિવ્ય પ્રકાશ ગોહિલે જણાવ્યું કે, “ધમકી સંબંધિત મેઇલની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. નાગરિકોએ અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો.” પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. ગેરસમજને કારણે સર્જાયેલા પેનિક બાદ હવે તંત્ર દ્વારા તમામ વિભાગોને સ્પષ્ટતા પાઠવવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી ન થાય. ત્યારે હાલ તો પોલીસે સાયબર સેલની મદદથી મેઇલના સ્ત્રોત સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

Related Posts

Load more