અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલમાં થોડાક જ વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે. બોપલ વિસ્તારની અનેક રહીશી સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે. ખાસ કરીને બસંત બહાર સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતાં આખી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ અને કોમન પ્લોટમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દૈનિક કામકાજ, નોકરી કે ઘરવખરીની ચીજવસ્તુઓ લેવા માટે નીકળતા લોકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્થાનિકોમાં તંત્રની આ લાપરવાહીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે પડેલા વરસાદ બાદ પણ આ જ વિસ્તારમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે તંત્ર દ્વારા ડી-વોટરિંગ પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે ફરી એકવાર માત્ર સામાન્ય વરસાદ પડતાં જ એ જ પરિસ્થિતિ પુનરાવર્તિત થઈ છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે, પાણીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.