બોટાદ જિલ્લાના હડદડ ગામે તાજેતરમાં યોજાયેલ ખેડૂત મહાપંચાયતને લઇ ગામના સરપંચ સેજલબેન જમોડના પતિ સોમાભાઇ જમોડે ગંભીર આક્ષેપ સાથે ખુલાસા કર્યા છે. સોમાભાઇએ સ્પષ્ટપણ જણાવ્યું છે કે, આ મહાપંચાયત ખરેખર આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું. આ સભા યોજવા માટે ગ્રામપંચાયતની કોઇ મંજુરી લેવામાં આવી નથી. પંચાયતને આ અંગે કોઇ જાણ કરવામા આવી નથી. મહાપંચાયત માર્કેટીગ યાર્ડમાં જ યોજવાની હતી પરંતુ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપકડા અને તેમના સાથિદારો અચાનક હડદડ ગામે આવી પહોંચ્યા હતા અને સભા ગામમાં જ શરૂ કરી દીધી હતી જેના કારણે આ ઘટના બની છે.
ગામમાં સભા શરૂ કરી દેતા ગામના લોકો સભા જોવા માટે આવી પહોંચ્યા હતા. સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ઉશ્કેરીજનક ભાષણ કર્યુ હતું જેના કારણે માહોલ તંગ બન્યો હતો. તેમણે વધુમાં કહ્યુ કે રાજુ કરપડા સાથે આવેલા અન્ય લોકોએ પોલીસ સાથે પથ્થરમારો કર્યો હતો જેના કારણે પરિસ્થિતિ વણસી હતી. સરપંચના પતિનો આ આક્ષેપ ઘણા સવાલો ઉભા કરે છે. તેમણે કહ્યુ કે જો આપના નેતાઓને ખરેખર ખેડૂતોના પ્રશ્નો હલ કરવા હોત તો સામ સામે બેસીને કરી શકયા હોત. સોમાભાઇએ આપને રાજકીય લાભ લેવા માટે આ કારનામું કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.