Botad Crime News: બોટાદના ખસ રોડ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર થયેલી ચેટના વિવાદ અંગે સમાધાન કરવા માટે બોલાવાયેલા યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીને મોકલવામાં આવેલા રિક્વેસ્ટ મેસેજ મુદ્દે બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ બાબતની અદાવત રાખીને યુવતીના ભાઈ અને તેના સાગરીતોએ આ યુવકોને સમાધાન કરવાના બહાને ખસ રોડ પર બોલાવ્યા હતા અને પ્લાનિંગ મુજબ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી તૂટી પડ્યા હતા.
હોસ્પિટલે ટોળા ઉમટ્યા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
હત્યાની આ ઘટનાને પગલે બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને મૃતકના પરિવારજનો એકત્રિત થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને જોતાં જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા સહિત ડીવાયએસપી, એલસીબી (LCB) અને એસઓજી (SOG)નો કાફલો તાત્કાલિક હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે.
બોટાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સઘન શોધખોળ શરૂ કરી છે.
સમાધાનના બહાને બોલાવીને કર્યો ઘાતકી હુમલો
મળતી માહિતી અનુસાર, ખસ રોડ વિસ્તારમાં હરપાલ ખાચર, અક્ષય ખાચર અને સતુ બોરીચા નામના યુવકો પર અચાનક તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે હરપાલ ખાચરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અક્ષય ખાચરને વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગર ખસેડવામાં આવ્યા છે અને સતુ બોરીચાની સારવાર હાલ બોટાદની હોસ્પિટલમાં ચાલી રહી છે.
ઇન્સ્ટાગ્રામ રિક્વેસ્ટ મેસેજ બન્યો મોતનું કારણ