વડોદરામાં પૂરપાટ ઝડપે આવતા કારચાલકે એક બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રોડ પર સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ કારચાલકે યુવકને ટક્કર મારતા યુવક બાઈક સાથે હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ હૃદયદ્રાવક અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ કાર હંકારી બાઈક સવારને ટક્કર મારી વડોદરા શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં 12 માર્ચના રોજ સાંજે 7 વાગ્યે એક બાઈક સવાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેને પગલે બાઈકચાલક બાઈક પરથી નીચે પટકાયો હતો. જેને કારણે તે ઇજાગ્રસ્ત થયો હતો અને રોડ પર જ કણસવા લાગ્યો હતો. યુવક નીચે પટકાયો હતો, પરંતુ બાઈક દોડતી દોડતી દૂર જઈને પડી હતી.
કારચાલક ઉભો રહી મદદ કરવાની જગ્યાએ કાર લઈ નાસી છૂટ્યો સ્પીડ બ્રેકર હોવા છતાં કારચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કારચાલકે યુવકને કણસતો જોઈ તેની મદદ કરવાની જગ્યાએ તાત્કાલિક કારનું સ્ટીયરિંગ ફેરવી કાર વળાવીને ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો. જે બાદ અકસ્માત સર્જાવાને પગલે ત્યાં આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જે બાદ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી વડોદરાના છાણી રોડ પર બનેલી અકસ્માતની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે. જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે, તેમ છતાં વાહનચાલકો પૂરપાટ ઝડપે વાહન ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂકે છે. સાથે સાથે લોકો પણ આ પ્રકારે બેફામ વાહન ચાલકો સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે.