બનાસ ડેરીના ચેરમેન તરીકે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની સતત ત્રીજી વખત નિયુક્તિ!

By: nationgujarat
26 Oct, 2025
બનાસકાંઠા: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે લાભ પાંચમના પવિત્ર દિવસે બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક મળી હતી. જે બેઠકમાં નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે બનાસ ડેરીના ચેરમેન તરીકે સતત ત્રીજી વખત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની નિયુક્તિ કરાઈ છે, તો વાઇસ ચેરમેન તરીકે સતત બીજી વખત ભાવાભાઈ રબારીની નિમણૂક કરાતા તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરીના નિયામક મંડળની ટર્મ પૂરી થતાં થોડા દિવસો અગાઉ જ બનાસ ડેરીના નવા નિયામક મંડળ માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપ દ્વારા મેન્ડેડ ફાળવી બનાસ ડેરીના 16 ડિરેક્ટરોની નિયુક્તિ કરાવવાની હતી. જોકે 16માંથી 15 ડિરેક્ટરો ભાજપના મેન્ડેડ ઉપર બિનહરિત થઈ ગયા હતા, પરંતુ દાંતા બેઠક પર ભાજપના મેન્ડેડ સામે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડે બળવો કર્યો હતો અને જે બાદ દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના મેન્ડેડ ધારી અમૃતજી ઠાકોર વિજેતા થતા બનાસ ડેરીમાં વધુ એક વખત શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો છે
આ વિધિવત રીતે ચૂંટણી યોજાયા બાદ બનાસ ડેરીમાં નિયામક મંડળ નિમાઈ ગયા હતા, જેથી આજે લાભ પાંચમના પવિત્ર દિવસે નિયામક મંડળની પ્રથમ બેઠક મળી હતી અને તેમાં બનાસ ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે બનાસ ડેરીના નવા ચેરમેન તરીકે સતત ત્રીજી વખત શંકર ચૌધરી પર કળશ ઢોળાયો છે, તો વાઇસ ચેરમેન તરીકે સતત બીજી વખત ભાવાભાઈ રબારીની નિમણૂક કરાઈ છે.
નોંધનીય છે કે, બનાસ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈ મોટી સંખ્યામાં પશુપાલક સહિત સહકારી આગેવાનો એકત્રિત થયા હતા અને નવા નિમાયેલા ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારીને શુભકામનાઓ પાઠવી છે. બનાસ ડેરીના ચેરમેન તરીકે નિયુક્તિ થયા બાદ ચેરમેન શંકર ચૌધરીએ બનાસ ડેરીમાં આવેલા મહાદેવ મંદિરે દર્શન કર્યા અને તે બાદ બનાસ ડેરીના અધ્યસ્થાપક ગલબા ભાઈ નાનજીભાઈ પટેલના બાવલાને પુષ્પમાળા અર્પણ કરી હતી.

Related Posts

Load more