બનાસકાંઠાનું આ આખું ગામ પાણીમાં ગરકાવ, ખેતી અને પશુપાલનને કરોડોનું નુકસાન

By: nationgujarat
10 Sep, 2025
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા સુઈગામ તાલુકાના ભટાસણા ગામમાં છેલ્લા ચાર દિવસથી ભારે પવન સાથેના અવિરત વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. આશરે 2300ની વસ્તી ધરાવતું અને 250 વર્ષ જૂનું આ ગામ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. જોકે, ભારે વરસાદના કારણે ગામ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના લીધે ગ્રામજનોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગામની આ સમસ્યા નવી નથી; દાયકાઓથી ભારે વરસાદની મોસમમાં આ ગામ પાણીમાં ડૂબી જાય છે, પરંતુ 2025નો વરસાદ અગાઉના વર્ષોની સરખામણીએ વધુ વિનાશક સાબિત થયો છે.
ગામની દયનીય સ્થિતિ અને નુકસાન

ભટાસણા ગામના નરશીભાઈ ભાટાએ જણાવ્યું કે, 2015 અને 2017ના પૂરની સરખામણીએ 2025ના વરસાદે ગામની પરિસ્થિતિ અત્યંત ખરાબ કરી દીધી છે. ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, ખેતરો પાણીમાં ડૂબી ગયા છે, અને અનેક પશુઓનાં મોત થયાં છે. ગામમાં પાણીનું સ્તર એટલું ઊંચું છે કે લોકો ન તો ગામમાંથી બહાર જઈ શકે છે કે ન તો ખેતરમાંથી ગામમાં આવી શકે છે. 1400ની જનસંખ્યા ધરાવતું આ ગામ હાલ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ગામની ડેરી પણ છેલ્લા ત્રણ દિવસથી બંધ છે, અને પાણીના પ્રવાહમાં અનેક પશુઓ તણાઈ ગયા છે, જેમાંથી કેટલાંકનાં મોત થયાં છે. ખેતીમાં વાવેલા પાકો પણ પાણીમાં ડૂબવાને કારણે નષ્ટ થવાની કગાર પર છે.

Related Posts

Load more