ફેફસાંના કેન્સરનું પ્રમાણ પુરુષોમાં 82% અને મહિલાઓમાં 18%, GCRIના ચોંકાવનારા આંકડા

By: nationgujarat
05 Aug, 2024

દર વર્ષે 1લી ઓગસ્ટે વર્લ્ડ લંગ કેન્સર (ફેફસાનું કેન્સર)ડે ઉજવવામા આવે છે, ત્યારે દિવસેને દિવસે ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેફસાના કેન્સરથી પીડિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં માત્ર અમદાવાદની સરકારી કેન્સર હોસ્પિટલ એવી જીસીઆરઆઈમાં જ 4660 દર્દીઓ ફેફસાના કેન્સરના નોંધાયા છે.

મહિલાઓ કરતા પુરુષોમાં ફેફસાના કેન્સરનું પ્રમાણ વધુ

આ દર્દીઓની વિગતો મુજબ 82 ટકા દર્દીઓ પુરુષ છે અને 18 ટકા જેટલા દર્દીઓ મહિલા છે. આમ મહિલાઓ કરતા પુરુષોમાં ફેફસાના કેન્સરનું પ્રમાણ અને જોખમ ચારથી પાંચ ગણુ વધુ હોય છે અને જેની પાછળ સૌથી મોટુ કારણ બીડી-સિગારેટનું વ્યસન હોય છે.

છેલ્લા પાંચ વર્ષમાં સરકારી કેન્સર હોસ્પિટલમાં 4660 દર્દી નોંધાયા

અમદાવાદની સિવિલ કેમ્પસની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (જીસીઆરઆઈ)માં છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 2019 થી 2023માં ફેફસાના કેન્સરના 4660 દર્દીઓ નોંધાયા છે. જેમાં 3841 દર્દીઓ પુરુષો છે અને 819 દર્દીઓ મહિલા છે. આમ પુરુષોમાં ફેફસાના કેન્સરનું પ્રમાણ 82.42 ટકા અને મહિલાઓમાં 17.58 ટકા છે.

85 ટકા દર્દીઓમાં ધૂમ્રપાન કારણભૂત

દર્દીઓની ઉંમર પ્રમાણે જોઈએ તો સૌથી વધુ 19.91 ટકા દર્દીઓ 60 થી 65ની ઊંમર વચ્ચેના છે. જો કે 40 થી 60ની ઉંમર વચ્ચેના 50 ટકા દર્દીઓ જોવા મળ્યા છે. જીસીઆરઆઈના ડિરેકટર ડૉ. શશાંક પંડયાએ જણાવ્યું કે વિશ્વમાં દર વર્ષે 1.99 કરોડથી વધુ દર્દીઓ જુદા જુદા કેન્સરના નોંધાયા છે. જેમાં 2490 લાખથી વધુ ફેફસાના કેન્સરના હોય છે. દર વર્ષે વિશ્વમાં 18 લાખથી વધુ દર્દીઓ ફેફસાના કેન્સરથી મૃત્યુ પામે છે.

81 હજારથી વધુ દર્દીઓ દર વર્ષે ફેફસાનું કેન્સર થાય છે 

ભારતની વાત કરીએ તો ભારતમાં 81 હજારથી વધુ દર્દીઓ દર વર્ષે ફેફસાના કેન્સરના નોંધાયા છે અને જેમાંથી 75 હજાર જેટલા મૃત્યુ પામે છે. ફેફસાના કેન્સરમાં 85 ટકા દર્દીઓ મુખ્યત્વે કારણ ધુમ્રપાન જોવા મળે છે. પ્રથમ અને બીજા સ્ટેજમાં ઓપરેશન કે સર્જરી અને કીમો થેરાપી તેમજ રેડીયોથેરાપી સહિતની ટ્રીટમેન્ટ આપીને દર્દીને સાજા કરવામા આવે છે. જીસીઆરઆઈમાં માત્ર પાંચ વર્ષમાં 4990 દર્દીઓ નોંધાયા છે અને જેમાં ગુજરાતના 3290 તથા મધ્યપ્રદેશના 689 અને ઉત્તરપ્રદેશના 68 તેમજ બાકીના અન્ય રાજ્યોના છે.


Related Posts

Load more