પ્રથમ- દર વર્ષે 23 ઓગસ્ટે ભારત નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરશે.
By: nationgujarat
26 Aug, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ISROના કમાન્ડ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 ટીમના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. અહીં તેમણે 3 જાહેરાત કરી હતી. પ્રથમ- દર વર્ષે 23 ઓગસ્ટે ભારત નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરશે. બીજી- જે જગ્યાએ લેન્ડર ચંદ્ર પર ઊતર્યું છે એ જગ્યાને શિવશક્તિ પોઈન્ટ કહેવામાં આવશે. ત્રીજી- ચંદ્રયાન-2ના જે જગ્યા પર નિશાન છે એ પોઈન્ટને ‘તિરંગા’ નામ તરીકે ઓળખાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે 7.30 વાગ્યે બેંગલુરુમાં ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા. અહીં તેઓ ચંદ્રયાન-3 ટીમના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ટીમના તમામ વૈજ્ઞાનિકો સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.
PM સવારે 7.30 વાગ્યે કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા, ઈસરોના ચીફની પીઠ થપથપાવી હતી
ઈસરોના વડા એસ. સોમનાથે ઈસરો કમાન્ડ સેન્ટર ખાતે પીએમ મોદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. પીએમએ સોમનાથને ભેટીને તેમની પીઠ થપથપાવી હતી. સફળ ચંદ્રયાન-3 મિશન માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મોદીએ કહ્યું, ‘હું દક્ષિણ આફ્રિકામાં હતો, પછી ગ્રીસમાં કાર્યક્રમમાં ગયો હતો, પણ મારું મન તમારી સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું હતું. ક્યારેક એવું લાગે છે કે હું તમારા લોકો સાથે અન્યાય કરું છું. મારી અધીરાઈ અને તમારી મુશ્કેલી. હું તમને નમન કરવા માગતો હતો (ભાવુક થઈને ગળગળા સ્વરે) હું તમને શક્ય એટલી વહેલી તકે જોવા માગતો હતો…
મોદીએ કહ્યું, ‘હું તમને સલામ કરવા માગતો હતો. તમારી મહેનતને સલામ… તમારી ધીરજને સલામ… તમારા જુસ્સાને સલામ… તમારી જીવનશક્તિને સલામ. તમારી ભાવનાને સલામ….
PM મોદીની 3 મોટી જાહેરાત…
1- ચંદ્રયાન-3 જે સ્થાને ઊતર્યું એ સ્થાન હવે શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે.
2- 23 ઓગસ્ટનો દિવસ હવે અંતરિક્ષ દિવસ તરીકે ઊજવાશે.
3- ચંદ્રયાન-2ના ચંદ્ર પર જે સ્થાને પદચિહ્ન પડ્યાં હતાં એ સ્થળ તિરંગા તરીકે ઓળખાશે.
મોદીના ભાષણમાં 7 મોટી વાત, કહ્યું- તમારી જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી
- તમે દેશને જે ઊંચાઈ પર લઈ ગયા છો એ કોઈ સામાન્ય સફળતા નથી. અનંત અવકાશમાં ભારતના વૈજ્ઞાનિક પરાક્રમનો શંખનાદ છે. તમે દેશને જે ઊંચાઈ પર લઈ ગયા છે.. આ કોઈ સામાન્ય સફળતા નથી. આ અનંત અવકાશમાં ભારતની સંભવિતતાનો શંખનાદ છે.
- ભારત ચંદ્ર પર છે, આપણું રાષ્ટ્રીય ગૌરવ ચંદ્ર પર છે. આપણે ત્યાં ગયા, જ્યાં કોઈ ગયું ન હતું. આપણે એ કર્યું જે અગાઉ કોઈએ કર્યું નથી. આ છે આજનું ભારત, નિર્ભય ભારત, લડતું ભારત. આ એ ભારત છે, જે નવું વિચારે છે અને નવી રીતે વિચારે છે. જે ડાર્ક ઝોનમાં જઈને પણ દુનિયામાં પ્રકાશનું કિરણ ફેલાવે છે.
- 21મી સદીમાં આ ભારત વિશ્વની સૌથી મોટી સમસ્યાઓનું સમાધાન કરશે. 23મી ઑગસ્ટનો એ દિવસ દરેક સેકન્ડ મારી આંખોની સામે ફરી રહ્યો છે, જ્યારે લેન્ડિંગની પુષ્ટિ થઈ હતી. દેશમાં જે રીતે લોકો કૂદી પડ્યા એ દૃશ્ય કોણ ભૂલી શકે. એ ક્ષણ અમર બની ગઈ. એ ક્ષણ આ સદીની પ્રેરણાત્મક ક્ષણોમાંની એક છે. દરેક ભારતીયને લાગ્યું કે જીત પોતાની છે.
- દરેક ભારતીય એક મોટી પરીક્ષામાં પાસ થયો. તમે બધાએ આ બધું શક્ય બનાવ્યું છે. મારા દેશના વૈજ્ઞાનિકોએ આ શક્ય બનાવ્યું છે. તમારાં બધાના ંહું જેટલાં વખાણ કરી શકું એટલાં ઓછાં છે. હું તમારી પૂરતી પ્રશંસા કરી શકતો નથી. મિત્રો, મેં એ ફોટો જોયો છે, જેમાં આપણા મૂન લેન્ડરે અંગદની જેમ ચંદ્ર પર પગ મૂક્યો હતો.
- એક બાજુ વિક્રમની શ્રદ્ધા છે અને બીજી બાજુ વિજ્ઞાનની શક્તિ છે. આપણી બુદ્ધિ ચંદ્ર પર તેના પગનાં નિશાન છોડી રહી છે. પૃથ્વીના કરોડો વર્ષના ઈતિહાસમાં માનવ સભ્યતામાં પહેલીવાર માણસ પોતાની આંખોથી એ સ્થળનું ચિત્ર જોઈ રહ્યો છે. આ તસવીર દુનિયાને બતાવવાનું કામ ભારતે કર્યું છે.
- આજે સમગ્ર વિશ્વ ભારતની વૈજ્ઞાનિક ભાવના, આપણી ટેક્નોલોજીને આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિને સ્વીકારી રહ્યું છે. અમારું મિશન જે ક્ષેત્રનું અન્વેષણ કરશે એ તમામ દેશો માટે ચંદ્ર મિશન માટે નવા રસ્તાઓ ખોલશે. એ ચંદ્રનાં રહસ્યો ખોલશે.
- ભારતે ચંદ્રના એ ભાગને નામ આપવાનું નક્કી કર્યું છે, જેના પર લેન્ડર લેન્ડિંગ થયું હતું. ચંદ્રયાન-3નું લેન્ડર જ્યાં ઊતર્યું એ સ્થાન હવે શિવશક્તિ તરીકે ઓળખાશે.