દાહોદમાં પોલીસ કર્મચારીઓ જ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના સામે આવી છે. ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે હેડ કોન્ટેબલ અને એક કોન્ટેબલે રાજસ્થાનથી દારૂની કાર ભરી હતી. જોકે, ગુજરાતમાં ઘૂસતા જ દાહોદ LCBને બાતમી મળતાં LCBએ પીછો કર્યો હતો. આ દરમિયાન એક કારનો અકસ્માત સર્જાતા એનો ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જોકે, અન્ય કારમાં પાયલોટિંગ કરતા બે કોન્ટેબલ પણ ફરાર થઇ ગયા હતા.
રાજસ્થાનથી પંચ કારમાં દારૂ ભર્યો આ ઘટના અંગે ચાકલીયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ચાકલીયા પોલીસ મથકમાં જ ફરજ બજાવતા હેડ કોન્ટેબલ અર્જુન ઘનુભાઈ ભુરીયા, મોહન રમેશભાઇ તાવિયાડ અને કોન્ટેબલ પ્રકાશ સબુરભાઇ હઠિલાએ ગઇકાલે બપોરે રાજસ્થાનથી એક પંચ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો. જે કાર મોહન તાવિયાડ ચલાવતો હતો. જ્યારે અર્જુન ભુરીયા અને પ્રકાશ હઠિલા અન્ય એક અલ્ટો કારમાં પાયલોટિંગ કરતા હતા.
પોલીસને જોઈ ગાડીઓ ભગાડી આ દરમિયાન દાહોદ LCBને આ બાતમી મળતાં LCBએ ઝાલોદ અને ચાકલીયા પોલીસ સ્ટાફ સાથે તળાવા ચોકડી નજીક વોંચ ગોઠવી હતી. આ દરમિયાન બંને કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકોએ ગાડી અટકાવવાને બદલે સ્પીડ વધારી લીમડી તરફ નાસી છૂટ્યા હતા. પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરતાં દારૂ ભરેલી પંચફોર વ્હીલર ગાડી આશરે 500 મીટર દૂર ગટરમાં ઉતરી ગઈ હતી, જેનો ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે પાયલોટિંગ કરતી અલ્ટો પણ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગઈ હતી.
અકસ્માતગ્રસ્ત કાર સહિત દારૂ જપ્ત પોલીસે અકસ્માતગ્રસ્ત પંચ કારમાં તપાસ કરતાં પંચમાંથી વિવિધ કંપનીની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ તથા બિયરની 8 પેટી, 112 બોટલો અને અંદાજે 74 લીટરથી વધુ દારૂના વોશનો જથ્થો મળ્યો હતો. પોલીસે કાર સહિત કુલ 5 લાખ 66 હજાર 646 રુપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસ મુજબ દારૂ ભરેલી પંચ (GJ-35-N-8922) હેડ કોન્ટેબલ મોહન તાવિયાડની છે. જ્યારે ફરાર અલ્ટો કાર (GJ-20-CA-8956) કેન્ટેબલ પ્રકાશ સબુરભાઈ હડીયાની હોવાનું સામે આવ્યું છે.
પોલીસ વિભાગની વિશ્વસનીયતા પર પ્રશ્ન પ્રોહીબિશન જેવા ગંભીર ગુનામાં પોલીસ કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવતાં જનતા અને પ્રશાસનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ કેસમાં વિભાગીય કાર્યવાહી, સસ્પેન્શન તથા ઉચ્ચસ્તરીય તપાસની માંગ તેજ બની છે.
અરવલ્લીમાં પણ દારૂની હેરાફેરી કરતા પોલીસકર્મીઓ ઝડપાયા 29 ડિસેમ્બર 2025ના રોજ અરવલ્લીમાં પણ પોલીસ જવાનો દારૂની હેરાફેરી કરતા ઝડપાયા હતા. જિલ્લા LCB પોલીસે શામળાજી બોર્ડર વિસ્તારમાં રિક્ષામાં લવાયેલા 27 પેટી દારૂને કારમાં મૂકતી વખતે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસકર્મી પોપટ ભરવાડ અને એસઆરપી જવાન રાહુલ દેસાઈને દારૂની હેરાફેરી કરતા ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી દારૂ કટિંગના ધંધામાં સંડોવાયેલા હતા.