લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં બેઠકોનો દોર શરૂ થયો છે. ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. લોકસભામાં દરેક બેઠક પર 5 લાખની લીડ સાથે જીતવાના લક્ષ્યાંક સાથે યોજાયેલી બેઠકમાં પાટીલે ધારાસભ્યોનો ક્લાસ લીધો હતો. જોકે, આશ્ચર્ય વચ્ચે પાટીલના ક્લાસમાં 55 ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યા હતા. ત્યારે ટકોર કરતા પાટીલે કહ્યું કે, હું બહાનુ નહિ ચલાવી લઉ.
ગઈકાલે કમલમમાં યોજાયેલી બેઠકમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોને લઈને ચર્ચા કરાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને ક્લસ્ટર ઈન્ચાર્જોની બેઠકમાં હાજરી જોવા મળી. આ બેઠકમાં લોકસભા ચૂંટણીને રણીનીતિ અને કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી.
નેતાઓ મૌન રહ્યાં
સી.આર પાટીલની અધ્યક્ષતામાં દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી. જેમાં તમામને બુથ સ્તર પર મજબૂતીથી કામ કરવા સૂચના અપાઈ. તેમજ દરેક સીટ પર 5 લાખથી વધુની લીડથી ચૂંટણી જીતવા કામે લાગી જવા સૂચના અપાઈ. સાથે જ બેઠકમાં નબળી બેઠકોની યાદી અને સૂચનો પણ માગવામાં આવ્યા. આ બેઠકમાં ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને ક્લસ્ટર ઈન્ચાર્જોને સી.આર પાટીલે પુછ્યું કે, નબળી બેઠકો હોય તો જણાવો. ત્યારે બેઠકમાં હાજર નેતાઓમાંથી કોઈ પણ કશું બોલ્યા ન હતા.
જોકે, આ બેઠકમા ગુજરાત ભાજપના 156 ધારાસભ્યોમાંથી 55 ધારાસભ્યોને ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી હતી. પાટીલે બેઠકમાં ચીમકી આપતા કહ્યુ હતું કે, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાં દરેક સંસદાય વિસ્તારમાં કોઈને પાંચ લાખની લીડ મેળવવામાં મુશ્કેલી લાગતી હોય તો મને કહે. પછી પોણા પાંચ આવશે તો કોઈ બહાનું નહિ ચલાવી લેવાય.
પાટીલે ભાજપના સ્થાપના દિવસ 5 એપ્રિલના દરેક બુથ પરના ૧૫૦ ઘરે ભાજપનો ધ્વજ ફરકાવવા સૂચના આપી.