વિદ્યાર્થી પણ વેચતો હતો ગાંજો
મળતી માહિતી મુજબ, જીતુ નાગજીભાઈ ધામેલીયા (રહે. સુરત) “ગોલ્ડન ઝોન સેન્ટર” નામથી દુકાન ચલાવે છે. જ્યાં આવનારા યુવાનોને તે હાઇબ્રીડ ગાંજો વેચતો હતો. તે પોતે આ ગેરકાયદેસર વેપારમાંથી મળેલી કમાણી પોતાના પુત્રના વિદેશી અભ્યાસ માટે વાપરતો હતો. ચોક બજાર પોલીસે ગોપનીય માહિતીના આધારે રેડ કરી હતી. જીતુ ધામેલીયા સાથે ધ્રુવ પ્રફુલ પટેલ અને જય સતીશભાઈ માવાણીને ઝડપી પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, ધ્રુવ એક બીસીએનો વિદ્યાર્થી છે અને અંતિમ વર્ષમાં “ATKT” આવતા તે આ ગેરકાયદેસર વ્યવસાય સાથે જોડાયો હતો. ધ્રુવને હાઇબ્રીડ ગાંજો જય માવાણી સપ્લાય કરતો હતો.
સ્કોટલેન્ડ રિટર્ન વિદ્યાર્થી પણ સામેલ
જય માવાણીનું બેકગ્રાઉન્ડ વધુ ચોંકાવનારું છે. તે અગાઉ સુરતમાં બીબીએ પૂર્ણ કરીને સ્કોટલેન્ડ એમબીએ માટે ગયો હતો. પરંતુ “ઇન્ટરનેશનલ બિઝનેસ” કોર્સમાં ફેલ થવાથી પરત સુરત આવ્યો હતો. ત્યારબાદ વધુ કમાણીની લાલચે તે હાઇબ્રીડ ગાંજાનો ધંધો શરૂ કર્યો હતો. જય સ્કોટલેન્ડથી પાછો ફરતાં સાથે એક અમેરિકન મોબાઈલ નંબર લઈને આવ્યો હતો. આ નંબર મારફતે તે પોતાના તમામ ગ્રાહકો અને સપ્લાય ચેઇન સાથે સંપર્ક રાખતો હતો, જેથી સ્થાનિક એજન્સીઓને તે ટ્રેસ ન કરી શકે. પરંતુ ગ્રાહકો પાસેથી પેમેન્ટ ભારતીય મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ દ્વારા લેતાં તે પોલીસની જાળમાં ફસાઈ ગયો હતો.પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી હાઇબ્રીડ ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન્સ તથા નશીલા પદાર્થની વ્યવહારોની વિગતો ધરાવતી ટ્રાન્ઝેક્શન ડીટેઈલ્સ જપ્ત કરી છે. આ મામલે ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઇ તથા ટીમ દ્વારા ગંભીર તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રો જણાવે છે કે, આરોપીઓની પૂછપરછ થઈ રહી છે. આ કાંડમાં અન્ય યુવાનો પણ આ નેટવર્કમાં સંકળાયેલા હોવાની શક્યતા છે.
પોલીસે ત્રણેય સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વિદેશી કનેક્શન ધરાવતા આ ડ્રગ નેટવર્કના અન્ય સાગરીતો સુધી પહોંચવા ટેક્નિકલ વિશ્લેષણ શરૂ કર્યું છે. શહેરના પોલીસ કમિશનર દ્વારા યુવાનોને ચેતવણી આપવામાં આવી છે કે, “આ પ્રકારના ગેરકાયદેસર ધંધામાં જોડાવાથી જીવન અને ભવિષ્ય બંને બરબાદ થાય છે.”