Banaskantha News : બનાસકાંઠાના ગઢ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ, જેનીબેન ઠુંમ્મર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, એસપીજીના પ્રમુખ લાલજી પટેલ અનાવરણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સાથે મોટી સંખ્યામાં પાટીદારોએ હાજરી આપી હતી. આવામાં આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે અનાર પટેલ અને લાલજી પટેલ વચ્ચે વિરોધાભાસી નિવેદન જોવા મળ્યું હતું. તો સાથે જ અનાર પટેલે દીકરીના લગ્નના બદલે પાટીદાર સમાજના દીકરાઓ વિશે સવાલો ઉઠાવ્યા હતા.
ઘરમાં ભાઈ પણ દારૂ પીને આવે તો તેને ઘર બહાર કાઢો – અનાર પટેલ
તો પાટીદાર સમાજની દીકરીઓ વિશે વાત કરતા અનાર પટેલે કહ્યું કે, બહેનો આપણ હાથમાં સમાજ છે અને ઘર પણ છે. ઘરમાં ભાઈ પણ દારૂ પીને આવે તો તેને ઘર બહાર કાઢો. દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે છે, તો દીકરાઓ માટે કોઈ સલાહ કેમ નથી આવતી, શું દીકરો સમાજ નથી બગાડતો? આપણી દીકરી કયારે બીજા સમાજમાં ત્યારે જ જતી હશે, જ્યારે આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહિ હોય. હું તો ઊંધું કહું છું આપણો છોકરો દારૂ પીધેલો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણા છોકરા કામ કરતો ના મળે ત્યારે જ દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે એવું કેમ આપણા નથી માનતા.