પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ

By: nationgujarat
08 May, 2025

India Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાને ભારતના 15 લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કરતાં આજે સવારે ભારતીય સેનાએ જવાબ આપતાં પાકિસ્તાનનું એર ડિફેન્સ યુનિટ નષ્ટ કર્યું છે. આ હુમલામાં પાકિસ્તાનના એર ડિફેન્સ યુનિટમાં HQ-9 એર ડિફેન્સ મિસાઈલ લોન્ચર્સને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભારતીય સેનાએ લાહોરમાં સ્થિત પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ સહિત પાકિસ્તાનના વિવિધ સ્થળોએ હુમલા કર્યા હતાં.કેન્દ્ર સરકારે સત્તાવાર જણાવ્યા પ્રમાણે, ભારતીય સેનાએ આજે સવારે પાકિસ્તાનના વિવિધ સ્થળોએ સ્થિત પાકિસ્તાની સેનાની એર ડિફેન્સ રડારને ટાર્ગેટ બનાવી હતી. જેમાં લાહોરનું એર ડિફેન્સ યુનિટ નષ્ટ કરવામાં આવ્યું હતું. આજે સવારે થયેલા આ ડ્રોન હુમલાના પગલે કરાચી, રાવલપીંડી, અને લાહોરમાં સાયરન વાગી હતી.

પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિન્ડા, ચંડીગઢ, નલ, ફલોદી, ઉત્તરલઈ અને ગુજરાતના ભુજમાં ડ્રોન અને મિસાઈલ વડે હુમલા કર્યા હતા.

પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 16ના મોત

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને LOC પર સીઝફાયરના ઉલ્લંઘન કર્યા હતાં. જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત 16 નિર્દોષ નાગરિકોના મોત થયા છે. આ વિસ્તારોમાં પાકિસ્તાને મોર્ટાર અને આર્ટિલરી ગન વડે ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ તેને સામો જવાબ આપ્યો હતો. ભારતીય સેના અને સરકારે પાકિસ્તાનને તણાવ ન વધારવા અપીલ કરી છે.


Related Posts

Load more