પત્ની-દીકરીની હત્યા કરી મેં લાશ ઘરમાં દાટી છે, અંતિમ નોટમાં હચમચાવી દેતો ખુલાસો કરીને પતિનો આપઘાત

By: Nation Gujarat Team
05 May, 2026

વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી કુદી ગિરીશ પરમાર નામના યુવકે આત્મહત્યા કરી હતી. મૃતક ગિરીશના ખિસ્સામાંથી મળી આવેલી સ્યૂસાઇડ નોટમાં તેણે કબૂલાત કરી છે કે તેણે પોતાની પત્ની પ્રિયંકા અને દીકરી પરીની હત્યા કરી દીધી છે અને તેમના મૃતદેહ શાહપુર વડ સ્થિત પોતાના મકાનમાં જ દાટી દીધા છે. આ ઘટસ્ફોટ થતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું. ગિરીશે અંદાજે છ મહિના અગાઉ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ પત્ની-પુત્રી ગુમ થયા હોવાની અફવા ફેલાવી પોતે બહેનના ઘરે રહેવા જતો રહ્યો હતો.

મૃતક યુવતીના દાદા રમણભાઈએ માહિતી આતા કહ્યું, ગિરીશે ચાર વર્ષ અગાઉ બેચરાજીના ગાભુ ગામની મારી પૌત્રી પ્રિયંકા રાવળ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. છેલ્લા છ માસથી પ્રિયંકા અને પુત્રી ગુમ હોવા છતાં ગિરીશ ફરિયાદ નોંધાવવામાં આનાકાની કરતો હતો. અંતે પ્રિયંકાના દાદા રમણભાઈએ 15 દિવસ પહેલા વડનગર પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ તેજ કરી ગિરીશની કડક પૂછપરછ શરૂ કરતા પકડાઈ જવાના ડરે તેણે હોસ્પિટલની ઇમારત પરથી છલાંગ લગાવી મોત વહાલું કર્યું હોવાનું પ્રાથમિક તારણ છે.
સમગ્ર કેસ વિશે માહિતી આપતા ડીવાયએસપી જય કંસારાએ જણાવ્યું કે, મૃતક ગિરીશ પરમારના સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે તેણે પોતાના ઘરની પાસે આવેલા અન્ય એક મકાનના છેલ્લા રૂમમાં પોતાની દીકરી પરી અને પત્ની પ્રિયંકાને ઘરના છેલ્લા રૂમમાં દાટી દીધી છે. વડનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘર ખોલાવી ત્રણ મજૂરો મારફતે સતત બે કલાક સુધી ખોદકામ કરાવ્યા બાદ મૃતકની પ્રિયંકા અને દીકરી પરીના કંકાલ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યા હતા.

સમગ્ર બાબતે ખોદકામ દરમિયાન કપડામાં વીતેલા બે કંકાળ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હત્યા કર્યા બાદ ગિરીશ પરમારે ત્યાં પ્લાસ્ટર પણ કરી દીધું હતું. પોલીસે પ્લાસ્ટર તોડી લાશ બહાર કાઢી હતી. પોલીસે ઘરમાંથી એક છરો પણ મળી આવ્યો હોવાની વિગત સામે આવી છે.


Related Posts

Load more