પતંગની દોરી વચ્ચે આવતાં પરિવાર 70 ફૂટ ઊંચા બ્રિજથી પટકાયો:પિતા-પુત્રીનાં સ્થળે જ મોત

By: Nation Gujarat Team
15 Jan, 2026

14 જાન્યુઆરીને ઉત્તરાયણના પર્વએ સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક પરિવારના ત્રણ સભ્ય 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતાં બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધું અને પૂલથી 70 ફૂટ નીચે પડી ગયાં હતાં. આ ઘટનામાં 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષા પર પડેલી માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી, જેમાં તેણીએ પણ ટૂંકી સારવારમાં દમ તોડ્યો છે. એક જ પરિવારના ત્રણ સભ્યના મોતને પગલે વિસ્તારમાં શોક છવાયો છે.

મકરસંક્રાંતિનો દિવસ ગુજરાતના નવ પરિવાર માટે કાળમુખો બન્યો છે. બાયડ-ખંભાત અને જંબુસરમાં 3નાં ગળાં કપાતાં મોત નીપજ્યાં છે, જ્યારે વડોદરામાં પતંગ પકડવાની લાયમાં એક 10 વર્ષના બાળક અને એક યુવક મળી બે લોકોનાં મોત થયાં છે. તો સાંજના સમયે સુરતની કરુણ ઘટનામાં પિતા-પુત્રી-માતા અને રાજકોટમાં બે કારના અકસ્માતમાં બે માસૂમ બાળકના જીવ ગયા છે.

ઘટના-1 સુરતમાં બ્રિજ પરથી પસાર થતા સમયે અચાનક પતંગની દોરી આડે આવી સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ (જે જીલાનીબ્રિજ તરીકે જાણીતો છે) પર ગઈકાલે સાંજના 5થી 6 વાગ્યાની વચ્ચે એક ભયાનક અકસ્માત થયો હતો. મકરસંક્રાંતિની રજા પર 35 વર્ષીય રેહાન તેની પત્ની અને 7 વર્ષની પુત્રી સાથે સુભાષ ગાર્ડન ફરવા નીકળ્યો હતો. ચંદ્રશેખર આઝાદબ્રિજ પરથી ઝડપથી પસાર થતી વખતે, અચાનક પતંગની દોરીએ રેહાનના શરીરને અડકી ગઈ હતી, જેથી રેહાને એક હાથે દોરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

70 ફૂટ નીચે પટકાતાં પિતા-પુત્રીનાં મોત, રિક્ષા પર પડેલી મહિલાને ઈજા ચાલુ બાઈકે દોરી હટાવતી વખતે વાહનનું સંતુલન બગડી ગયું હતું અને વાહન પુલના ડિવાઈડર સાથે અથડાયું હતું. આ ટક્કરમાં રેહાન, તેની પત્ની રેહાના અને પુત્રી આયેશા, જે મોટરસાઇકલ પર સવાર હતાં, તેઓ બ્રિજથી 70 ફૂટ નીચે ખાબક્યાં હતાં. નીચે પટકાવાથી રેહાન અને તેની પુત્રી આયેશાનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. જ્યારે પત્ની રેહાના બ્રિજ નીચે પાર્ક કરેલી ઓટો-રિક્ષા પર પડી હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થળે પિતા-પુત્રીના લોહીનો રેલો ચાલ્યો હતો.

પોલીસે સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા અકસ્માતના પગલે એક જ પરિવારના પિતા, પુત્રી અને માતાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જોરથી અવાજ આવ્યો, પિતા-પુત્રી જમીન પર અને માતા રિક્ષા પર પડી હતી’ આ અંગે પ્રત્યક્ષદર્શી જાવેદભાઈ ડાબલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, કાલે સાંજે બધા અહીં અમે ઊભા હતા, તો અચાનક જોરથી અવાજ થયો. અમે જોયું તો ત્રણ જણા નીચે પટકાયેલા હતા. એક પિતા અને પુત્રી નીચે હતા અને જે માતા હતી તે રિક્ષા પર પડી હતી. પિતા અને પુત્રીનું જગ્યા પર જ મૃત્યુ થઈ ગયા અને માતાની હાલત અત્યારે ગંભીર હતી. અમે બધાએ અહીંના સ્થાનિક લોકોના સહકારથી ત્રણેય જણાને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા, જ્યાં બે જણાને મૃત જાહેર કર્યા હતાં.

સુરતના મેયર અને સુરતના મ્યુનિસિપલ કમિશનરને અમારી માંગણી છે કે, આ પૂલ બહુ હાઈટ પર હોવાથી અવારનવાર અકસ્માત થાય છે અને લોકો નીચે પડી જાય છે. તો અહીંના સ્થાનિક લોકોની એક માગણી છે કે ઉપર ગ્રીલ લગાવે.

બે વર્ષ પહેલા પણ આ બ્રિજ પર જ એક અકસ્માત થયો હતો અને યુવક બ્રિજ પરથી નીચે પડીને મોતને ભેટ્યો હતો. બ્રિજની હાઈટ પણ 70 ફૂટથી વધુ હોવાથી જ્યારે કોઈપણ વાહનનો અકસ્માત થાય છે, ત્યારે ડિવાઇડર સાથે અથડાયા બાદ વાહનચાલક નીચે પડી જાય, તે રીતની સ્થિતિ છે.

મહાવીર હોસ્પિટલે પૈસા માગી સારવાર ન કર્યાનો આક્ષેપ દાન કરીને પૂણ્ય કમાવવાના ઉત્તરાયણના દિવસે જ મહાવીર હોસ્પિટલે માનવતા ભૂલી ગઈ હોવાના આક્ષેપો થયાં છે. મૃતક રેહાનના ઓળખીતાએ જણાવ્યું હતું કે, મૃતક રેહાન શેખની પત્ની કે જેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતાં તેઓને મહાવીર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર સિવાય પૈસા નહીં ભરવાના કારણે વધુ સારવાર આપી નહોંતી. પૈસા ભર્યા બાદ કલાકો પછી સારવાર શરૂ કરાઈ હતી. મોડીરાત્રે તો બ્લડ માટે જાણ કરાઈ હતી. આમ મહાવીર હોસ્પિટલ દ્વારા દાન અને પુણ્ય કમાવવાના દિવસે ગંભીર લાપરવાહી કરવામાં આવી હતી.

હોસ્પિટલ વિરુદ્ધમાં પોલીસમાં અરજી રેહાનાબાનુંના સંબંધી શરીફ મલિકે અઠવા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી જણાવ્યું હતું કે, રેહાનાબેનને મહાવીર હોસ્પિટલમાં લઈ ગયા, ત્યારે જ ડોક્ટરે અઢી લાખની ડિમાન્ડ કરી સારવાર શરૂ ન કરી ગોલ્ડન અવર્સમાં પેશન્ટની સારવાર કરવાની ગાઈડ લાઈનનો ભંગ પણ કર્યો હતો. પરિવારે શરૂઆતમાં 1.5 લાખ રૂપિયા આપ્યા છતાં કલાકો સુધી મહાવીર હોસ્પિટલના તબીબી સ્ટાફે સારવાર કરી ન હતી. જેથી દાખલ રેહાનાબાનુના પરિવારે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માગ કરી છે. જોકે આ દરમિયાન રેહાનાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


Related Posts

Load more