Petrol Diesel Price Hike : મધરાતે અચાનક પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાતા નાગરિકો પર સંકટ આવી ગયું છે. ગુજરાતના નાગરિકો પણ હવે મોંઘવારી સામે ત્રાહિમામ પોકારી ગયા છે. આવામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધતા અનેક પેટ્રોલ પંપ સૂમસામ જોવા મળ્યા છે. રોજ કરતા પેટ્રોલ પંપ પર વાહનોની ઓછી ભીડ જોવા મળી. ત્યારે પેટ્રોલ-ડીઝલની અછત બાદ ગુજરાતીઓએ શું કહ્યું… જાણો.
પગાર નથી વધતો પણ મોંઘવારી વધે છે
પેટ્રોલ પુરાવવા આવનાર ચાલકોએ કહ્યું, પેટ્રોલ-ડીઝલનો આ ભાવવધારો ખિસ્સા ખાલી કરશે. પગાર નથી વધતો પણ મોંઘવારી વધી રહી છે. તો મહિલાઓએ કહ્યું, આનાથી ઘરનું બજેટ ખોરવાશે. 50 ટકા ચીજ વસ્તુઓના ભાવ વધી જશે.
વડોદરાના નાગરિકોએ કહ્યું કે, તકલીફ તો પડશે. ખિસ્સા પર અસર પડશે, પણ નોકરી કરવાની છે એટલે જવું તો પડશે. આ રીતે ભાવ વધતા જશે તો વધુ અસર પડશે. તો અન્ય નાગરિકે કહ્યું કે, વપરાશ લોકો પર આધાર છે. જેટલું વાપરશો એટલો ખર્ચ થશે. ઓછું વાપરશો તો ઓછું વપરાશે.
સુરતના નાગરિકોએ કહ્યું કે, જે સરકાર કરે તે કરવું જ પડે. તકલીફ તો પડશે. ઘીરે ધીરે યુદ્ધની અસર ઓછી થશે તો ઘટાડો થશે તેની રાહ જોઈશું.
મંત્રીઓને નહીં ફાળવવામાં આવે કોનવે કે પાયલોટિંગ કાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની પેટ્રોલ ડીઝલની કરકસરની અપીલ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના મંત્રીઓને કોનવે કે પાયલોટિંગ કાર નહિ ફાળવવામાં આવે. રાજ્યમાં સુરક્ષા કેટેગરીમાં આવતા વીવીઆઈપી સિવાય કોઈને કોનવે ગાડી ફાળવવામાં નહિ આવે. સુરક્ષા દ્રષ્ટિએ કેટેગરી અને નોન કેટેગરીના તબક્કા હોય છે. નોન કેટેગરીના વીઆઈપીઓને પાયલોટિંગ કે કોનવે નહીં ફાળવવામાં આવે. રાજ્યના મંત્રીમંડળના સભ્યો નોન કેટેગરીમાં આવે છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સિવાય મંત્રીઓને કોનવે કે પાયલોટિંગ કારમંત્રીઓને નહીં મળે. રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલની કરકસર માટે મહત્વનું પગલું સાબિત થશે.