ભારતીય ટીમ ઘરઆંગણે ખુબ મજબૂત છે, ટેસ્ટ સિરીઝમાં ભારતને હરાવવું લગભગ અસંભવ લાગી રહ્યું હતું, પરંતુ છેલ્લા 10 દિવસમાં ન્યૂઝીલેન્ડ ટીમે જે પ્રકારનું પ્રદર્શન કર્યું તેણે બધાને દેખાડી દીધું કે ભારતીય ટીમને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવી શકાય છે. ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ બન્યા તેને થોડો જ સમય થયો છે અને ભારતે સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડે બેંગલુરૂ બાદ પુણે ટેસ્ટ જીતીને ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આપણે જોઈએ આ ભારતની હારની સૌથી મોટી ભૂલો.
રોહિત અને કોહલીનું ખરાબ ફોર્મ
કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ટીમના સૌથી અનુભવી બેટર છે. આ બંને પાસે ટીમને મોટી ઈનિંગની આશા હોય છે. પરંતુ ન્યૂઝીલેન્ડ સામે પુણે ટેસ્ટમાં બંને સસ્તામાં આઉટ થયા હતા. કોહલી તો પ્રથમ ઈનિંગમાં જે ફુલટોપ બોલમાં આઉટ થયો તેના પર સૌથી વધુ સવાલ ઉઠ્યા હતા. બીજી ઈનિંગમાં પણ ટીમને જરૂર હતી ત્યારે બંને સીનિયર ખેલાડીઓ જલ્દી આઉટ થઈ ગયા હતા.
સ્પિન સામે રમવામાં નબળી પડી ટીમ ઈન્ડિયા
એક સમય હતો જ્યારે ભારતીય બેટરો સ્પિનર સામે રમવામાં સૌથી આગળ હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતીય બેટરો સ્પિનરો સામે સારૂ પ્રદર્શન કરી શકતા નથી. તેવામાં ભારતીય ટીમના બેટરોની તકનીક પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. લેફ્ટ આર્મ સ્પિનરો સામે તો સૌથી વધુ મુશ્કેલી પડે છે. પુણે ટેસ્ટમાં મિચેલ સેન્ટનરે પ્રથમ ઈનિંગમાં સાત તો બીજી ઈનિંગમાં છ વિકેટ ઝડપી હતી.
ભારત પાસે જરૂર યશસ્વી જાયસવાલ, રિષભ પંત અને સરફરાઝ ખાન જેવા સ્ટ્રોક પ્લેયર છે, પરંતુ જ્યારે પિચ પર બોલરોને મદદ મળતી હોય ત્યારે ડિફેન્સ કામ લાગે છે, ન્યૂઝીલેન્ડ સામે બંને ટેસ્ટ મેચમાં ભારતીય બેટરોના ડિફેન્સ પર પણ સવાલો ઉઠ્યા છે. તેવામાં ભારતે આ કમીને જલ્દી સુધારવી પડશે. બેંગલુરૂ ટેસ્ટમાં ફાસ્ટ બોલરોને મદદ મળી તો ભારતીય ટીમ માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
અશ્વિન-જાડેજા લયમાં ન જોવા મળ્યા
ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ દરમિયાન જાડેજાને એકપણ વિકેટ મળી નહીં. અશ્વિનને જરૂર સફળતા મળી પરંતુ તે પોતાની લયમાં જોવા મળ્યો નહીં. અશ્વિનનો સામનો કરવા માટે ન્યૂઝીલેન્ડના બેટરોએ સ્વિપ અને રિવર્સસ્વિપનો સહારો લીધો હતો. બીજી ઈનિંગમાં પણ ન્યૂઝીલેન્ડે સારી રીતે આ બંને અનુભવી સ્પિનરોનો સારી રીતે સામનો કર્યો હતો. ઘરઆંગણે અશ્વિન-જાડેજાનું સાધારણ પ્રદર્શન જરૂર ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે.
ખરાબ શોટ્સ રમી આઉટ થયા બેટર
જ્યારે પિચમાં સ્પીનરોને મદદ મળી રહી હતી ત્યારે ભારતીય બેટરો ખરાબ શોટ્સ રમીને આઉટ થયા હતા. પછી ગિલ હોય કે સરફરાઝ, રિષભ પંત હોય કે વિરાટ કોહલી… આ બધા સ્પિનરો સામે ખરાબ શોટ્સ રમીને આઉટ થયા હતા.