ગુજરાતના રાજકારણમાં હવે નવો ગણગણાટ શરુ થયો છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, ત્યાં ગુજરાતમાં ઉપમુખ્યમંત્રી બનાવવાની માંગ ઉભી થઈ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ગુજરાતમાં મલાઈદાર મંત્રીપદ મેળવવા માટે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેમાં કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરાઈ છે. તો આ વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે પણ મીટિંગ કરી હતી, ત્યારે હવે નવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે આ મુદ્દે કુંવરજી બાવળિયાની પણ પ્રતિક્રીયા સામે આવી છે.
કોનું પત્તુ કપાશે, કોણ નવું આવશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. પરંતું તે થશે કે નહિ, અથવા ક્યારેય થશે તેની કોઈને ખબર નથી. કોનું પત્તુ કપાશે અને કયા નવા નેતાને સ્થાન મળશે તે અંગે પક્ષમાં અંદરોઅંદર ગણગણાટ શરૂ થયો છે. ત્યારે આ ગણગણાટ વચ્ચે નવી ચર્ચાએ જોર પકડ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં પ્રમોશન આપવાની માંગ કોળી સમાજ દ્વારા ઉઠી છે.
કુંવરજી માટે છેક દિલ્હી સુધી રજૂઆત
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ગુજરાતના ડેપ્યૂટી મુખ્યમંત્રી જેવું મહત્ત્વનું સ્થાન આપવા જસદણ વિંછીયા પંથકના કોળી સમાજ અગ્રણીઓ દ્વારા છેક દિલ્હી સુધી રજૂઆત કરાઈ છે. કોળી સમાજે રજૂઆતમાં કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવો. પાંચાળ વિકાસ બોર્ડ અને કોળી સમાજ અગ્રણી વિનોદ વાલાણીએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશન આપવા રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
કુંવરજીની પ્રતિક્રીયા
હાલમાં જ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. ત્યારે અચાનક દિલ્હી દરબારમાં કુંવરજીની હાજરીથી પણ ચર્ચા ઉઠી છે. કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગણી મામલે કુંવરજી બાવળીયાએ પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ પાયાવિહોણી વાત છે. કોઈ હિતેચ્છું આ પ્રકારની વાત કરે તેમાં કોઈનો વાત નથી. આવી વાતો હાઈ કમાન્ડ દ્વારા જ નક્કી થતી હોય છે અને હાઈ કમાન્ડ જ નક્કી કરે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ પડ્યા બાદ અત્યાર સુધી ગુજરાતને 5 ડેપ્યુટી મુખ્યમંત્રી મળ્યા છે. તેમાં છેલ્લે નીતિન પટેલને આ પદ મળ્યું હતું. નીતિન પટેલા બાદ ઉપમુખ્યમંત્રીનું પદ કોઈને અપાયુ નથી.