શુક્રવારે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ છે. લોકસભામાં LPG મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. વિપક્ષે ” નામ નરેન્દ્ર, કામ સરેન્ડર” અને “મોદી જી શરમ કરો!”ના નારા લગાવ્યા.આ દરમિયાન રિજિજુએ કહ્યું- વિપક્ષી સાંસદો જલ્દી સુધરી જાય, નહીં તો જનતા તેમને કડક સજા કરશે. રિજિજુ બોલતા હતા ત્યારે પણ વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો. ત્યારબાદ, અધ્યક્ષ સંધ્યા રાયે ચેતવણી આપી, પરંતુ સૂત્રોચ્ચાર બંધ ન થયા. પરિણામે, કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.સવારે વિપક્ષે સંસદ સંકુલમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને LPG સંકટ મામલે વિરોધ કર્યો. ગુરુવારે, સરકારે LPG અને તેલની અછત અને વધતી કિંમતો અંગે ગૃહમાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો.પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કોઈ અછત નથી. સરકારે વિપક્ષને પણ અપીલ કરી કે આ મુદ્દે અફવાઓ અને ખોટા નિવેદનો ન ફેલાવવામાં આવે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓનો જવાબ આપતા પુરીએ કહ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા 33 કરોડથી વધુ પરિવારો, ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગના રસોડામાં ગેસ પહોંચાડવાની છે. તેમણે કહ્યું કે રાંધણ ગેસ પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ગેસની ડિલિવરી સાયકલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે(13 માર્ચ) 14મો દિવસ છે. મિડલ ઈસ્ટમાં તણાવને કારણે ભારતમાં ગેસ સપ્લાયની ચેઈન પર અસર પડી છે. જેને લઈને કોંગ્રેસ સંસદથી લઈ સડક સુધી જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહી છે.દેશમાં ગેસના બાટલાની અછત સર્જાતા તેની અસર ગુજરાતમાં પણ પડી છે. અનેક રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે અને અનેક બંધ થવાની કતારમાં છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં હલ્લાબોલ કર્યો છે.કોંગ્રેસના MLA અમિત ચાવડા ખભે સિલન્ડર લઈ તો તુષાર ચૌધરી માથે લાકડા લઈ વિધાનસભામાં પહોંચ્યા હતા. ‘સાહેબનો આઇડિયા કામ આવ્યો?’ના પોસ્ટર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને છાણા લઈને વિધાનસભા બહાર પહોંચ્યા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગેસ સપ્લાયની અછતને કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ગૃહિણીઓને ગેસ મેળવવા માટે દરદર ભટકવું પડે છે, જે સરકારની નીતિની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે મોંઘવારી વચ્ચે ગેસની અછતથી લોકો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને ઉદ્યોગો પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થયા હોવાના કારણે પેટ્રોલિયમ અને ગેસ સપ્લાયના મુદ્દે દેશના હિતોને નુકસાન થયું છે. સરકારએ તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી જનતાને રાહત મળે. તેમણે ચેતવણી આપી હતી કે જો હાલની સ્થિતિ ચાલુ રહેશે તો આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય અને મોંઘવારીના મુદ્દે તરત જ અસરકારક પગલાં લેવા માંગ કરી છે.