નાબાલિક સાથે દુષ્કર્મ કેસમાં આસારામને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો

By: Nation Gujarat Team
06 Aug, 2026

85 વર્ષીય આસારામ બાપુએ ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને અંતરિમ જામીનની માંગ કરી હતી. જોકે, જોધપુર AIIMS દ્વારા રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટે હાલ જામીન આપવાની જરૂરિયાત નથી એવું માન્યું છે.

ફરીથી જામીન માટે અરજી કરી શકશે

સુપ્રીમ કોર્ટે અરજી પોતાની પાસે જ રાખી છે અને જણાવ્યું છે કે, જો તેમની તબિયત વધુ બગડે તો તેઓ ફરીથી વચ્ચગાળાના  જામીન માટે અરજી કરી શકશે.સુનાવણી દરમિયાન કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં આસારામ બાપુને હાઈકોર્ટ દ્વારા 20 દિવસની પેરોલ આપવામાં આવી છે.

AIIMSની મેડિકલ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?

જોધપુર AIIMSએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે, આસારામને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી, પરંતુ તેમના સ્વાસ્થ્ય પર 24 કલાક નજર રાખવાની જરૂર છે. આ રિપોર્ટના આધારે જ સુપ્રીમ કોર્ટે વચ્ચગાળાના  જામીન મંજૂર કર્યા નથી.

2013ના કેસમાં પડકાર

આસારામ બાપુએ વર્ષ 2013માં નાબાલિક સાથે દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવતા અને આજીવન કેદની સજા ફટકારતા રાજસ્થાન હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સાથે જ ખરાબ સ્વાસ્થ્યને આધારે અંતરિમ જામીનની પણ માંગ કરી હતી.

21 જુલાઈએ AIIMSને રિપોર્ટ આપવા કહ્યું હતું

21 જુલાઈએ સુપ્રીમ કોર્ટની બેન્ચે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીનની અરજી પર સુનાવણી દરમિયાન AIIMS, જોધપુરને આસારામ બાપુની આરોગ્ય સ્થિતિ અંગે વિગતવાર મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

આજીવન કેદની સજા યથાવત

રાજસ્થાન હાઈકોર્ટે આ વર્ષે મે મહિનામાં આપેલા ચુકાદામાં આસારામને ગેંગરેપ અને POCSO અધિનિયમની કેટલીક જોગવાઈઓ હેઠળના આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે, બળાત્કારના ગુનામાં દોષ સાબિત કરવા માટે પૂરતા અને મજબૂત પુરાવા હોવાનું માનતા તેમની આજીવન કેદની સજા યથાવત રાખી હતી.


Related Posts

Load more