ગાંધીનગર,તા.2
દેશમાં ઈન્ડીયન પિનલ કોડના સ્થાને ભારતીય ન્યાય સંહીતા સહીત ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ પડયા છે.ત્યારે ગઈકાલે પ્રથમ દિવસે ગુજરાતમાં નવા કાયદા હેઠળ કુલ 164 કેસ નોંધવામાં આવ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં નવા કાયદા હેઠળનો પ્રથમ કેસ ગાંધીનગર નજીક બાઈક ચાલક સામે થયો હતો.મોટા ચિલોડા-દેહગામ નજીક જાહેર માર્ગ પર અડચણ સર્જવાનો ગુન્હો દાખલ થયો હતો. ત્યારબાદ દિવસ દરમ્યાન રાજયમાં ભારત ન્યાય સંહીતા, ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ કુલ 164 ગુના દાખલ થયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર શાસીત પ્રદેશોમાં 15 ઓગસ્ટ સુધીમાં નવા કાયદા લાગુ થઈ જવાની સંભાવના છે. જોકે નવા કાયદાઓનો સંપૂર્ણ અમલ થવામાં 3 થી 4 વર્ષ લાગી શકે છે. કારણ કે નવા કાયદાને અનુરૂપ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ થવામાં સમય નિકળી શકે છે.
તેઓએ કહ્યું હતું કે નવા ફોજદારી કાયદાનો પોલીસ સ્ટેશનોમાં સંપૂર્ણ અમલ કરાવવા માટે રાજયોને છુટછાટો-સ્વતંત્રતા આપવામાં આવી છે. તેઓએ એવી પણ ચોખવટ કરી હતી કે સીઆરપીસીનાં ધોરણે જ નવા કાયદામાં મહતમ 15 દિવસની રીમાંડની જોગવાઈ યથાવત રાખવામાં આવી છે.