નવસારી લોકસભા બેઠકનો વિસ્તાર સુરત, વલસાડમાં વહેંચાયેલો હતો. 2008માં નવું સીમાંકન થયું ને એ પછી 2009થી નવસારી બેઠક અસ્તિત્વમાં આવી. જ્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી ત્રણ ટર્મથી ભાજપના સીઆર પાટીલ સાંસદ તરીકે ચૂંટાય છે. 2019માં સૌથી વધારે લીડથી જીતીને તેમણે દેશનું ધ્યાન ખેચ્યું હતું. ત્રણ જીત પછી સી આર પાટીલનું ભાજપમાં કદ વધ્યું છે. અત્યારે તે ભાજપના પ્રદેશ પ્રમુખ છે અને હવે તેમને ચોથી વખત ટિકિટ આપવામાં આવી છે. સી આર પાટીલની સામે કોંગ્રેસે પક્ષના નેતા નૈષધ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે. દેસાઈ પણ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. નવસારી બેઠક પર તેમને પહેલીવાર ટિકિટ મળી છે.
સી.આર.પાટીલની વિક્રમી લીડ રહી છે
સતત ચોથી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી બેઠક માટે સી.આર.પાટીલ પર ભરોસો મૂક્યો છે. નવસારી બેઠક પર છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ છે. 2014 અને 2019માં તે સૌથી વધુ માર્જિનથી જીતી હોવાને કારણે તેઓ રાષ્ટ્રીય કક્ષા પર લોકોની નજરે આવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા. 2019માં તેમણે 6,89,668 મતોના વિક્રમી માર્જિન સાથે ચૂંટણી જીતી હતી જે ચૂંટણી ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી વધુ માર્જિન હતું. 2014માં તેઓ 5,58,116 મતોના વિક્રમી માર્જિનથી ચૂંટાયા હતા, જે સમગ્ર ભારતમાં ત્રીજા સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવાર હતા.
મૂળ મહારાષ્ટ્રના પાટીલનો ગુજરાતના રાજકારણમાં દબદબો
સી.આર.પાટીલ (ચંદ્રકાન્ત પાટીલ)નો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો. પાટીલે પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રમાં લીધું અને આગળના અભ્યાસ માટે દક્ષિણ ગુજરાત આવ્યા. શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો. પોલીસમાં રહીને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો ને આ રીતે તે ગુજરાતના રાજકારણમાં આવ્યા. અત્યારે સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે. કોંગ્રેસીઓને ભાજપમાં લાવીને ઓપરેશન લોટસ કરવામાં માહિર છે.
એક સમયે સી.આર.પાટીલે પોલીસ વિભાગ માટે યુનિયન બનાવ્યું હતું
વર્ષ 1975માં પિતા અને અનેક લોકોને જોઈને પાટીલ ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. સી આર પાટીલ ખાસ કરીને પોલીસ વિભાગને સંગઠિત કરવા માટે બનાવવામાં આવેલા યુનિયન માટે પણ જાણીતા છે. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહીં. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતું નહીં. તે મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984માં પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહીં અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો.
આ રીતે સી.આર. રાજકારણમાં પ્રવેશ્યા, ઓફિસને પણ ISO સર્ટીફિકેટ
સુરતમાં પોલીસનું યુનિયન બનાવવાની કોશિશ કરનારા કર્મચારીઓમાં સી.આર. પાટીલ પણ હતા. તેના કારણે બીજી વાર સસ્પેન્ડ થયેલા અને તે પછી રાજીનામું આપી દીધું. 1989માં તેઓ રાજકારણમાં આવી ગયા હતા અને સુરતમાં કાશીરામ રાણા સાથે કામ કરતા રહ્યા હતા. ભાજપનો ઉદય થવાની તે શરૂઆત હતી. ભાજપની સરકાર આવી ત્યાર પછી 1995થી 1997 સુધી તે જીઆઈડીસી (ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન)ના ચેરમેન બન્યા હતા. 1998થી 2000 જીએસીએલના ચેરમેન હતા. સુરતના અને ગુજરાતના કારખાનેદારો અને ઉદ્યોગપતિઓ સાથે ઘરોબો આ રીતે જૂનો છે. એક સારા ફંડ મેનેજર તરીકે પણ તેપક્ષમાં હંમેશાં જાણીતા રહ્યા છે. સુરત ભાજપના કોષાધ્યક્ષ તરીકે પણ પાંચ વર્ષ રહી ચૂક્યા છે. ઉદ્યોગપતિઓ સાથે કામ કરવામાંથી કદાચ તેઓ મેનેજમેન્ટ પણ શીખ્યા છે. તેઓ પોતે પણ સારા ઉદ્યોગપતિ બન્યા છે. તેમનું સાંસદ તરીકેનું કાર્યાલય કોર્પોરેટ ઓફિસની જેમ ચાલે છે અને કોઈ કંપનીને મળે તેવી રીતનું ISO સર્ટિફિકેટ મળેલું છે. દરેક મુલાકાતીની નોંધ થાય છે, ફરિયાદની નોંધ થાય છે, તેનું ટ્રેકિંગ થાય છે.
સી.આર.પાટીલની ત્રણ ટર્મની વાત
સી.આર.પાટીલની ત્રણ ટર્મની વાત કરીએ તો, 2009માં કોંગ્રેસે પાટીલ સામે પ્રાંતીય ઉમેદવાર ધનસુખ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા. રાજપૂતને 2.90 લાખ મત મળ્યા હતા તો પાટીલને 4.23 લાખ મત મળ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે મુસ્લિમ ચહેરા મકસૂદ મિર્ઝાને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા, જેમને પાટીલ સામે 2.62 લાખ મત મળ્યા હતા અને પાટીલને 8.20 લાખ મત મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કોળી પટેલ ઉમેદવારને પાટીલ સામે મેદાનમાં ઉતાર્યા હતા. ધર્મેશ પટેલને 2.83 લાખ મત મળ્યા હતા. તેની સામે પાટીલને 9.72 લાખ મત મળ્યા હતા.નવસારીમાં 22 રાજ્યોના મતદારો મતદાન કરે છે!!
આ લોકસભા ચૂંટણીમાં 22.13 લાખ મતદારો નવસારી લોકસભામાં છે. નવસારીમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિનિ ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. પરપ્રાંતથી આવીને વસેલા લોકોની સંખ્યા જ 12 લાખની છે. કોળી પટેલ મતદારોની સંખ્યા 3 લાખ જેટલી છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. 2019માં ભાજપે નવસારીની બેઠક પર ઇતિહાસ રચ્યો હતો. 6.89 લાખ મતોની લીડ સાથે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં સી.આર.પાટીલે ડંકો વગાડ્યો હતો, ત્યારે આ વખતે પણ ભાજપ પોતાની લીડને ટકાવી રાખવા માટે તૈયાર છે. ભલે પોતે સી.આર.પાટીલ નવસારીમાં પ્રચાર ના કરી રહ્યા હોય, પરંતુ ભાજપના નેતાઓ હાલ નવસારીના મિશનમાં લાગ્યા છે.