નવનીત રાણા ભાજપ માંથી કરી શકે છે લોકસભાની ઉમેદવારી ,મહારાષ્ટ્રમા 35 બેઠકો પર ભાજપની તૈયારીઓ

By: nationgujarat
07 Mar, 2024

મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીને લઈને ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. અમિત શાહ મંગળવારે મુંબઈ પહોંચ્યા અને એકનાથ શિંદે અને અજિત પવારને મળ્યા. આ દરમિયાન સીટ વહેંચણી પર લાંબી ચર્ચા થઈ હતી, જેમાં અમિત શાહે સાથી પક્ષોને સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપને વધુ સીટો પર ચૂંટણી લડવા દો. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં અમે તમારા માટે વધુ બેઠકો છોડી દઈશું. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ભાજપ રાજ્યમાં 35 સીટો પર ચૂંટણી લડવા માંગે છે. તેણે એકનાથ શિંદેની શિવસેનાને 9 અને અજિત પવારની NCPને 4 બેઠકોની ઓફર કરી છે.

ભલે સાથી પક્ષો અત્યારે સહમત ન હોય, પરંતુ ભાજપે 35 બેઠકો માટે પ્લાન તૈયાર કર્યો છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે આ વખતે મહારાષ્ટ્રમાં ઘણી બેઠકો પર મહિલાઓને તક મળશે. બીડ બેઠક પરથી પ્રીતમ મુંડેનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. આ સિવાય તેમની બહેન પંકજા મુંડેને પણ ટિકિટ મળવાની આશા છે. અમરાવતી બેઠક પરથી અપક્ષ સાંસદ નવનીત રાણા આ વખતે ભાજપના ઉમેદવાર બની શકે છે. આ સિવાય હીના ગાવિતને નંદુરબારથી તક મળશે. એટલું જ નહીં, એવી ચર્ચા છે કે નાંદેડ, જલગાંવ અને ધુલે જેવી સીટો પરથી પણ મહિલા ઉમેદવારોને તક મળી શકે છે.

અશોક ચવ્હાણની ભત્રીજી મીનલ ખટગાંવકર નાંદેડ લોકસભા સીટ પરથી રેસમાં આગળ ચાલી રહી છે. પૂર્વ સીએમ અશોક ચવ્હાણ ફેબ્રુઆરીમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ સિવાય ધુલે બેઠક પરથી ધરતી દેવરેનું નામ આગળ ચાલી રહ્યું છે. તે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની પુત્રી છે. સ્મિતા વાઘલને જલગાંવ બેઠક પરથી તક મળી શકે છે.

મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુબલે પણ લોકસભા ચૂંટણી લડી શકે છે. તેમના સિવાય મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલારને પણ તક મળી શકે છે. બાવનકુલેને વર્ધા બેઠક પરથી ટિકિટ મળવાની ચર્ચા છે. આ સિવાય શેલારને ઉત્તર પશ્ચિમ અથવા ઉત્તર મધ્ય મુંબઈ બેઠક પરથી ટિકિટ મળી શકે છે. પૂનમ મહાજનને પણ ભાજપ તરફથી ટિકિટ મળે તેવી શક્યતા છે.


Related Posts

Load more