ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની અરજી પર શુક્રવારે મદ્રાસ હાઇકોર્ટે નિવૃત્ત IPS અધિકારી જી. સંપથ કુમારને 15 દિવસની જેલની સજા ફટકારી છે. જોકે સજા 30 દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે, જેથી તેઓ નિર્ણય સામે અપીલ કરી શકે.
આ કેસ 2013 દરમિયાન થયેલી IPL મેચ ફિક્સિંગ સાથે સંબંધિત
2013માં જી. સંપથ કુમાર તામિલનાડુ પોલીસના CID ઓફિસર હતા. તેમણે 2013ના IPL સટ્ટાબાજીના કેસમાં પ્રારંભિક તપાસનું નેતૃત્વ કર્યું હતું. તેમના પર બુકીઓને છોડાવવા માટે લાંચ લેવાનો આરોપ હતો, તેથી તેમને કેસમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
સંપથે આ કેસમાં ધોનીનું નામ પણ સામેલ કર્યું હતું. આના પર ધોનીએ જી. સંપત કુમાર અને એક ટેલિવિઝન ચેનલ ગ્રુપ વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ધોનીએ સંપત સામે અવમાનનાની અરજી પણ કરી હતી. આ અરજીમાં સંપથ દ્વારા સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ સામે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.
IPS અધિકારી સંપથે સુપ્રીમ કોર્ટ પર ટિપ્પણી કરી હતી
સંપથ કુમારે કથિત રીતે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે 2013 IPLમાં મેચ ફિક્સિંગ પર જસ્ટિસ મુદગલ કમિટીના અહેવાલના ભાગોને સીલબંધ કવર હેઠળ રાખવા અને એને વિશેષ તપાસ ટીમને ન સોંપવાનો નિર્ણય કર્યો હતો.
ધોનીએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે સંપથે કહ્યું હતું કે સીલબંધ એન્વલપને રોકવા પાછળ સુપ્રીમ કોર્ટનો હેતુ હતો.
ધોનીની કેપ્ટનશિપમાં ભારતે ત્રણ ICC ટ્રોફી જીતી હતી
ધોનીની આગેવાની હેઠળ ભારતે 2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આવું કરનાર ધોની એકમાત્ર કેપ્ટન છે. ધોનીની આગેવાનીમાં CSKએ 5 IPL ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેની સાથે રોહિત શર્માના નામે પણ આ રેકોર્ડ છે. રોહિતની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે પણ પાંચ ટ્રોફી જીતી છે.
આ સિવાય વિકેટકીપર તરીકે એક વન-ડે મેચમાં સૌથી વધુ રન (183 અણનમ) બનાવવાનો રેકોર્ડ ધોનીના નામે છે.
ધોનીની નંબર-7 જર્સી રિટાયર્ડ, આ સન્માન મેળવનારો બીજો ભારતીય ક્રિકેટર
ધોનીની 7 નંબરની જર્સી હવે કોઈપણ અન્ય ભારતીય ક્રિકેટરને મળશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. ધોનીની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિના લગભગ 3 વર્ષ બાદ બોર્ડે આ નિર્ણય લીધો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં BCCIને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.
ધોની પહેલાં સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને પણ આ સન્માન મળ્યું હતું. વર્ષ 2017માં સચિનની 10 નંબરની જર્સી પણ હંમેશ માટે રિટાયર થઈ ગઈ હતી.
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેણે 2014માં જ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. રિપોર્ટ અનુસાર, BCCIના એક અધિકારીએ કહ્યું કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, ખાસ કરીને ડેબ્યૂ કરનારા ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ તેંડુલકર અને ધોની સાથે જોડાયેલા નંબર પસંદ કરી શકતા નથી.90 ટેસ્ટ, 350 ODI અને 98 T20 રમ્યા
ધોનીએ 90 ટેસ્ટ, 350 વન-ડે અને 98 ટી-20 રમી છે. આમાં તેણે 4,876 ટેસ્ટ, 10,773 ODI અને 1,617 T-20 રન બનાવ્યા છે. IPLમાં ધોનીએ અત્યારસુધી 190 મેચમાં 4,432 રન બનાવ્યા છે. તેમની કેપ્ટનશિપ હેઠળ CSK પાંચ વખત IPL ટાઈટલ જીતી ચૂકી છે. તેમની આગેવાનીમાં ટીમે 2023માં IPL પણ જીતી હતી.