ગાંધીનગરમાં ધારાસભ્યો માટે આલીશાન ફ્લેટ બનાવવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. રાજ્યના માર્ગમકાન વિભાગે 220 કરોડના ખર્ચે 216 આવાસ બનાવ્યા છે. જે ધારાસભ્યોને આવાસ ફાળવાયા છે તે પૈકી કેટલાકે ગૃહપ્રવેશ અને પૂજાઅર્ચના કરી છે, પરંતુ મોટાભાગના ધારાસભ્યોને વાસ્તુપૂજનમાં રસ ન હતો. જે ધારાસભ્યોએ ગૃહ પ્રવેશ કર્યો છે તેઓ પણ પાંચ મિનિટથી વધુ સમય માટે પૂજામાં બેઠા નથી. જો કે આ પૂજામાં માર્ગ-મકાનના એક ઇજનેર છેલ્લે સુધી પૂજામાં બેઠા હતા. ધારાસભ્યોને ખબર છે કે આવાસની ફાળવણી કાયમી નથી. જ્યારે ચૂંટણી આવશે ત્યારે આવાસ ખાલી કરવા પડશે. આ સુવિધા કાયમી નથી, ભાડાના મકાન જેવી છે. આમ પણ જે ધારાસભ્યને ફરીથી ટિકિટ મળી ન હોય તેમને છ મહિનામાં મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની સ્થાપના પછી અત્યાર સુધીમાં ધારાસભ્યો માટેના આવાસો ચાર વખત બદલવામાં આવ્યા છે. આ એ જગ્યા છે કે જ્યાં વર્ષો અગાઉ આવાસ બંધાયેલા હતા પરંતુ કાળક્રમે તે ખંડિયેર થઈ ચૂક્યાં હતા. એ જ ભૂમિ પર જૂના આવાસ તોડીને માર્ગ-મકાન વિભાગે અનેક સુવિધાઓ સાથે પાંચ બેડરૂમના લક્ઝુરિયસ ફ્લેટ બનાવ્યા છે.
વિજિલન્સ કમિશનમાં જો સંગીતા સિંઘને ચાલુ રાખવામાં આવશે તો તે આ પોસ્ટ માટે પ્રથમવાર નિર્ણય લેવાયો હશે !
ગુજરાતના વિજિલન્સ કમિશન તરીકે પાંચ વર્ષ પહેલાં ઓક્ટોબર 2020માં નિયુક્તિ પામેલા સંગીતા સિંઘનો ટેન્યોર 31મી ઓક્ટોબરે પૂર્ણ થાય છે પરંતુ તેમને વધુ સમય સુધી ચાલુ રાખવામાં આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. આ સુપ્રીમ પદ પહેલાં તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે ફરજ બજાવતા હતા. આ કમિશન ગૃહ વિભાગની અંડરમાં આવતું હોવાથી નિવૃત્તિ પછી તેમની નિયુક્તિ આ જગ્યાએ થઈ હતી. તેમણે અત્યાર સુધીમાં ચાર રિપોર્ટ આપ્યા છે. રાજ્ય સરકારની બંધારણીય સંસ્થાઓમાં કોઈપણ અધિકારી 65 વર્ષ સુધી ફરજ બજાવી શકે છે પરંતુ આ કિસ્સામાં તેમને એક્સટેન્શન મળે તેવી ચર્ચા સચિવાલયમાં ચાલી રહી છે. મહત્વનું છે કે આ વર્ષે નિવૃત્ત થયેલા ત્રણ આઇએએસ અધિકારી પૈકી કોઈ એકને વિજિલન્સ કમિશનર બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી પરંતુ રાજ્ય સરકારનો ઇરાદો આ પોસ્ટ નિવૃત્ત અધિકારીને મૂકવાનો લાગતો નથી તેથી સંગીતા સિંઘને વધુ સમય માટે ચાલુ રાખવામાં આવી શકે છે. ગુજરાત ઇલેક્ટ્રિકલ રેગ્યુલેટરી ઓથોરિટીમાં રાજ્યના પૂર્વ મુખ્યસચિવ અનિલ મુકીમને પાંચ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ 65 વર્ષના થતાં જ તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. વિજિલન્સ કમિશનમાં જો સંગીતા સિંઘને ચાલુ રાખવામાં આવશે તો તે આ પોસ્ટ માટે પ્રથમવાર નિર્ણય લેવાયો હશે.
ડીઆઇજીના પ્રમોશન થયાં છે તેમને રેન્જ નહીં મળે, અમદાવાદ, સુરત અને ગાંધીનગર ડીજી ઓફિસમાં પોસ્ટીંગ નિશ્ચિત!
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હવે તેમના વિભાગોમાં પરિવર્તન કરે તેવી સંભાવના છે. પોલીસ વિભાગમાં બદલીઓ સાથે પ્રમોશનની ફાઇલ ઝડપથી ક્લિયર થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે નવા વર્ષના પ્રારંભે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે. જે પોલીસ અધિકારીઓને ત્રણ કે તેથી વધુ વર્ષ થયા હશે તેમની બદલી નિશ્ચિત માનવામાં આવે છે. એ ઉપરાંત શહેરોના પોલીસ કમિશનર અને રેન્જ આઇજીમાં પણ બદલાવ જોવામાં આવી રહ્યો છે. પોલીસ વિભાગમાં એક એવા અધિકારી નિર્લિપ્ત રાયને રાજકોટમાં પોસ્ટીંગ મળે તેવી સંભાવના છે પરંતુ તેમને અમદાવાદમાં રહેવાની ઇચ્છા વધારે છે. બીજીતરફ 2011ની બેચના જેટલા અધિકારીઓને ડીઆઇજીના પ્રમોશન થયાં છે તેમાંથી એકપણ અધિકારીને રેન્જ નહીં મળે, જો કે અમદાવાદ, સુરત અને ગાંધીનગર ડીજી ઓફિસમાં પોસ્ટીંગ નિશ્ચિત બન્યાં છે.