ડિસેમ્બર 2025 ક્રાઇમ બ્રાંચે સુરત એરપોર્ટ પરથી 6.18 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 3 જણાને પકડી પાડ્યા હતા. આ ગાંજો મંગાવનાર મુખ્ય ડ્રગ્સ ડીલરને ક્રાઇમ બ્રાંચે ચેન્નઇથી પકડી પાડ્યો છે. ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે 22-12-2025ના રોજ સુરત એરપોર્ટ પર બેંગકોકથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવેલા મોહમદ ઇકબાલ અહેમદખાન અને રાસીયા અબ્દુલ કપુરને બે બેગમાં છુપાવેલા રૂ.6.18 કરોડની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડ્યા હતા.
આ ગાંજો લેવા માટે આવેલા થામીમ ઉર્ફે તમીમ ઇબ્રાહીમ અન્સારીને પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આ ગાંજો મંગાવનાર તામિલનાડુના ચેન્નઇ અમન કોવીલ સ્ટ્રીટમાં રહેતા થાગા ગની ઉર્ફે શાહજહાં સીની સિકંદર હોવાનું બહાર આવ્યું હતું. આરોપી ચેન્નાઇમાં હોવાની બાતમી મળતા પોલીસે ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં મુળ ચેન્નઇના અને હાલ બેંગકોકમાં રહેતા મોહમદ અલી અને અબ્રાહિમ સાથે મળીને ગાંજાનો ધંધો કરતા હોવાની કબુલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા છે.