વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે (12 ડિસેમ્બર, 2025) ત્રણ મોટા નિર્ણયો લીધા. જે અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘2027ની વસ્તી ગણતરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના માટે રૂ.11,718 કરોડનું બજેટ મંજૂર કરાયું. બીજો નિર્ણય કોલસા અથવા ઊર્જા ક્ષેત્રમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. ત્રીજો ખેડૂતોને લગતો નિર્ણય લેવામાં આવ્યો છે.’
2 તબક્કામાં યોજાશે વસ્તી ગણતરી
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘2027ની વસ્તી ગણતરી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. વસ્તી ગણતરીની ડિજિટલ ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તે બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરી હશે. 30 લાખ કર્મચારીઓને કામે લગાડાશે. પ્રથમ વખત ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવશે. આ એપ્લિકેશન હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ હશે.’
કોલસા અથવા ઊર્જા ક્ષેત્રમાં મોટો સુધારો
કેન્દ્રીય મંત્રીમંડળે ઊર્જા ક્ષેત્રમાં પણ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, ‘કોલ સેતુ એટલે કે ભારત કોલસાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે, જેનાથી આયાત પરની નિર્ભરતા દૂર થશે. આનાથી 60 હજાર કરોડ રૂપિયાની બચત થઈ રહી છે. 2024-25માં 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન થશે.’
2027ની વસ્તી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે
કેન્દ્ર સરકારે વર્ષ 2027ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી (National Census) ડિજિટલ માધ્યમથી કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે લોકસભામાં આ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે વસ્તી ગણતરી પરંપરાગત કાગળ આધારિત ફોર્મ્સને બદલે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.