દુષ્કર્મ આરોપીનું પોલીસે યુવતીના ગામમાં જ સરઘસ કાઢ્યું:ઘર સુધી લઇ જઇ પીડિતાની ઓળખ છતી કરી,

By: Nation Gujarat Team
01 Mar, 2026

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એક ગામમાં શ્રમિક યુવતી પર ધાકધમકી આપી દુષ્કર્મ ગુજારનાર અને તેને અમદાવાદમાં ગોંધી રાખનાર આરોપી મહમદ ફરીદનું આજે (1 માર્ચ) પોલીસે યુવતીના જ ગામમાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જોકે, સંવેદનશીલ કિસ્સામાં પીડિતાની ઓળખ છતી થાય તે રીતે કરાયેલી આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.

લગ્ન પહેલાં જ પહાડ તૂટી પડ્યો

ઉના તાલુકાના એક ગામની યુવતીના લગ્ન નજીકના દિવસોમાં નિર્ધારિત હતા. યુવતીના માતા-પિતા લગ્નની ખરીદી માટે સુરત ગયા હતા, જેનો લાભ ઉઠાવી પ્રભાસ પાટણના પરણિત અને ત્રણ બાળકના પિતા મહમદ ફરીદ ઉર્ફે ફરાન હારુનભાઈ મલેકે યુવતીના ઘરે જઈ ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

અમદાવાદની PGમાંથી પોલીસે બચાવી

આટલું જ નહીં, આરોપીએ પોતાના મિત્ર અવેશની મદદથી યુવતીને જુનાગઢ અને ત્યાંથી બસ દ્વારા અમદાવાદ મોકલી આપી હતી. અમદાવાદમાં યુવતીને એક પી.જી. (PG)માં ગોંધી રાખવામાં આવી હતી. પરિવારે દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદથી યુવતીને મુક્ત કરાવી હતી અને આરોપી મહમદ ફરીદની ધરપકડ કરી હતી

પોલીસે કાઢ્યું ‘સરઘસ’: ન્યાય કે ઓળખ છતી કરવાનો પ્રયાસ?

કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતાં આજે નવાબંદર પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પી.આઈ. એચ.એલ. જેબલિયા સહિતના સ્ટાફે આરોપીને લઈને યુવતીના ગામમાં પહોંચ્યા હતા.

  • મહિલા પોલીસે દોરડાથી બાંધ્યો: મહિલા પોલીસસ્ટાફ દ્વારા આરોપીને દોરડાથી બાંધી ગામની બજારોમાં ફેરવવામાં આવ્યો હતો.
  • પીડિતાના ઘર સુધી પરેડ: પોલીસ આરોપીને છેક પીડિત યુવતીના ઘર સુધી લઈ ગઈ હતી, જેના કારણે ગામના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

વિવાદ: પીડિતાની ગરિમા અને ભવિષ્ય સામે સવાલ

પોલીસની આ ‘ઓવરસ્માર્ટ’ કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કાયદા મુજબ દુષ્કર્મ જેવા કેસમાં પીડિતાની ઓળખ ગુપ્ત રાખવી અનિવાર્ય છે, પરંતુ પોલીસે આરોપીને યુવતીના ઘર સુધી લઈ જઈ પરોક્ષ રીતે તેની ઓળખ આખા ગામમાં છતી કરી દીધી છે.

સવાલ: જે યુવતીના ગણતરીના દિવસોમાં લગ્ન થવાના છે, પોલીસના આ ‘તમાશા’ બાદ તેના સામાજિક ભવિષ્યનું શું?


Related Posts

Load more