દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓની મદદે આવ્યું JITO:હોટલના મોંઘા ભાડા વચ્ચે સસ્તામાં રહેવા-જમવાની સુવિધા શરૂ કરી,

By: Nation Gujarat Team
03 Mar, 2026

મિડલ ઇસ્ટમાં ફાટી નીકળેલા ભયાનક યુદ્ધની અસર હવે ટુરિઝમના હબ ગણાતા દુબઇ પર જોવા મળી રહી છે. ઇરાને કરેલા હુમલા બાદ સુરક્ષાના કારણોસર દુબઇ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. જેથી ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાંથી ત્યાં ગયેલા પ્રવાસીઓ માટે મોટું સંકટ સર્જાયું છે.

પરિસ્થિતિ એટલી ગંભીર છે કે હોટલના ભાડાં આસમાને પહોંચ્યા છે અને ફ્લાઇટ્સ કેન્સલ થતા લોકોમાં ભારે ફફડાટ છે. એકતરફ ગમે ત્યારે મિસાઇલ ત્રાટકવાનો ભય અને બીજીતરફ અજાણ્યા દેશમાં રહેવા-જમવાની ચિંતા વચ્ચે ગુજરાતીઓની મદદે JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)ની દુબઇ વિંગ આવી છે.

દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં JITO અમદાવાદ ચેપ્ટરના પ્રેસિડેન્ટ રાજીવ છાજેડ અને જૈન અગ્રણી ભદ્રેશ શાહે દુબઇની સ્થિતિ અંગે માહિતી આપી હતી.

અત્યારસુધીમાં 500થી વધુ લોકોને મદદ કરી JITOએ ફસાયેલા લોકોને માનસિક શાંતિ આપવાથી માંડીને ભોજન અને રહેવા માટે હોટેલ્સ સાથે ટાઇઅપ કર્યું છે. જેથી લોકોને ઓછા ભાડાંમાં સારી સુવિધા મળી રહે. JITOએ અત્યાર સુધીમાં અહીં 500થી વધુ લોકોની મદદ કરી છે.

24 કલાક હેલ્પ લાઇન દુબઇ વિંગે હેલ્પ લાઇન માટે 8 મોબાઇલ નંબર જાહેર કર્યા છે. જેના પર કોઇપણ વ્યક્તિ 24 કલાક મદદ માટે ફોન કરી શકે છે. JITOએ એક હોસ્ટેલની પણ વ્યવસ્થા કરી છે. જેમાં એક સાથે 80 થી 100 લોકો રહી શકે તેમ છે.

રાજીવ છાજેડે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, હાલમાં ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થઇ છે. જેની અસર છેક દુબઇમાં પણ વર્તાઈ છે. દુબઇમાં ફ્લાઇટ્સ કેન્સલ થઇ રહી છે, લોકો ફસાઇ ગયા છે. એમ સમજો કે એક પ્રકારે બધું જ બ્લોક થઇ ગયું છે.

આ સ્થિતિમાં દુબઇમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે JITOએ કેવી રીતે સુવિધા ઊભી કરી તેની વાત પણ રાજીવ છાજેડે કરી.

JITOના દુબઇ ચેપ્ટરે મદદની તૈયારી બતાવી તેઓ કહે છે કે, JITO પરિવારના સભ્યો આખા વિશ્વમાં ફેલાયેલા છે. જ્યારે પણ આવી કોઇ પરિસ્થિતિ આવે ત્યારે તેઓ લોકોની મદદ કરતાં હોય છે. અમારી એપેક્ષ બોડીએ દુબઇ ચેપ્ટર સાથે વાતચીત કરી હતી ત્યારે સામેથી જ દુબઇ ચેપ્ટરનો મેસેજ આવ્યો હતો કે અમે મદદ કરવા તૈયાર છીએ.

યુદ્ધના કારણે હોટલનાં ભાડા વધી ગયા જ્યારે જૈન અગ્રણી ભદ્રેશ શાહે દિવ્ય ભાસ્કરને કહ્યું, JITO દુબઇ ચેપ્ટરના રાજેશ જૈન સાથે મારે વાતચીત થતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે યુદ્ધના કારણે હોટલમાં રહેવાનું મોંઘું થઇ ગયું છે. ઘણા જૈનો પણ દુબઇમાં ફસાયા છે. જેમને સસ્તા ભાડાંમાં સારી હોટલ મળી રહે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ. જે લોકો પહેલેથી જ ત્યાં રોકાયેલા છે તો તેમને સ્ટે માટે એક્સટેન્શન ન કરી આપે તો વાતચીત કરીને એક્સટેન્શન મળે તે માટે પણ મદદ કરી રહ્યાં છે.

લોકોની મદદ કરવાના કામને રાજીવ છાજેડ માનવતાનું કામ માને છે. છાજેડે કહ્યું કે, આ એક માનવતાનું કામ હોવાથી હાલમાં અમે બધા જ લોકો માટે આ પ્રકારની મદદ શરૂ કરી છે. અમારા જૈન ધર્મના લોકો વેજિટેરિયન હોય છે એટલે તેમને ત્યાં ભોજનમાં તકલીફ ન પડે તે માટે પણ રસોડાંની બેકઅપ વ્યવસ્થા ઊભી કરી છે. હાલના સમયે એટલી બધી કોઇ ઇમરજન્સી પડી નથી પણ જો આવનારા દિવસોમાં કંઇ થાય તો આવી પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે પાણી પહેલાં પાળ બાંધવાની તમામ તૈયારીઓ અમે કરી લીધી છે.

કેનેડા જતાં લોકો પણ ફસાયા ભદ્રેશ શાહે જણાવ્યું કે, રાજેશભાઇએ મને કહ્યું હતું જ્યારે યુદ્ધની શરૂઆત થઇ અને ફ્લાઇટ્સ બંધ થઇ ગઇ જેના કારણે હજારો યાત્રીઓ દુબઇમાં અટવાયા હતા. જે લોકો કેનેડા સહિત અન્ય દેશોમાં જઇ રહ્યાં હતા અને અહીં તેમની ફ્લાઇટ ચેન્જ કરવાની હતી તેવા લોકો પણ ફસાયા છે. જેથી અમને થયું કે આપણે મદદ કરવી જોઇએ એટલે આ પ્રકારની હેલ્પ કરવાની શરૂઆત કરી.

કેટલાક લોકોને આર્થિક મદદ પણ કરી ભદ્રેશ શાહ જણાવે છે કે, હાલ જે બોમ્બાર્ડિંગ થઈ રહ્યું છે તેના કારણે ફસાયેલા લોકોમાં સ્ટ્રેસ જોવા મળી રહ્યો છે. આવા વ્યક્તિઓનો સ્ટ્રેસ દૂર કરવાથી માંડીને તેમને હૂંફ આપવાની કામગીરી પણ થઇ રહી છે. કેટલાક કિસ્સામાં મધ્યમવર્ગીય લોકો ત્યાં ફસાયા છે તેમને આર્થિક મદદ પણ કરી છે.

સરકારે વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યો ઇરાનના હુમલા બાદ દુબઇની શાળાઓ બંધ કરી દેવાઇ છે. જ્યારે ઓફિસમાં કામ કરતાં લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ ત્યાંની સરકારે આપ્યો છે.

દુબઇમાં રહેતા અમિત નામના એક ગુજરાતી યુવાને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અહીં વાતાવરણ ખૂબ જ ગંભીર હતું. હુમલો થાય ત્યારે અહીં અવાજ સંભળાતા હતા. અહીંયાની સરકારે મિસાઇલોનો ખાત્મો કરી નાખ્યો છે અને પ્રજાને કોઇ તકલીફ પડવા નથી દીધી. જે મુસાફરો અહીં હોટલમાં ફસાઇ ગયા છે તેમને હોટલમાં જ રહેવા દેવા અને ખાવા-પીવાની સુવિધા કરી આપવાના આદેશ અહીંની સરકારે આપ્યા છે.


Related Posts

Load more