દિલ્હીમાં મોડી રાતથી જંતર-મંતર પર આંદોલન શરૂ,આજે ફરી સંસદ તરફ કૂચ કરશે CJP

By: Nation Gujarat Team
21 Jul, 2026

ચોમાસુ સત્રના પહેલા જ દિવસે દિલ્હીમા જંતર-મંતર વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત “સંસદ ચલો” માર્ચ દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું. સ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસે આંસુ ગેસના શેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો. આ ઘટનામાં 118થી વધુ પોલીસ કર્મચારીઓ સહિત અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે.

તણાવપૂર્ણ વાતાવરણ અને પોલીસ કાર્યવાહી છતાં CJPના સ્થાપક અભિજીત દીપકેએ મધ્યરાત્રિએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમનું આંદોલન અટકશે નહીં અને મંગળવારે પણ સંસદ તરફ માર્ચ ચાલુ રાખવામાં આવશે.

સોમવારે જંતર મંતર ખાલી થયું પણ રાત્રે ફરી આંદોલનકારીઓ ભેગા થઈ ગયા

સોમવારે દિવસે દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી CJPનું મંચ અને બેરિકેડ્સ હટાવી દીધા હતા. પરંતુ સોમવારે મોડી રાત્રે જંતર-મંતર પર સેંકડો પ્રદર્શનકારીઓ ફરી ભેગા થઈ ગયા હતા અને તેમણે નવો તંબૂ તેમજ અસ્થાયી મંચ ઊભો કરી દીધો હતો.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ

CJPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ ગત 6 જૂનથી જંતર-મંતર પર સતત પ્રદર્શન કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાની છે. શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક પણ આ આંદોલનના સમર્થનમાં અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેઠા હતા. જોકે, તબિયત લથડતાં દિલ્હી પોલીસે તેમની અટકાયત કરીને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.


Related Posts

Load more